- ધોરણ-9ની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં સાઈકલ આપવાની હતી,
- લાંભા પાસેના એક સ્કૂલના મેદાનમાં સાયકલો કાટ ખાઈ ગઈ,
- જવાબદાર અધિકારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી
અમદાવાદઃ ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં સાઈકલ આપવાની હતી. તેના માટે કરોડો રૂપિયાના ખર્ચે હજારોની સંખ્યામાં સાયકલો ખરીદવામાં આવી હતી. પણ કોઈ કારણસર સાયકલોનું વિતરણ થઈ શક્યુ નહીં, અને નવી નક્કોર સાયકલો કાટ ખાઈને ભંગાર બની ગઈ, અમદાવાદ નજીક લાંભામાં એક શાળાના વિશાળ મેદાનમાં હજારો સાયકલો પર ઝાડી-ઝાંખરા ઊગી નિકળ્યા છે. આમ પ્રજાના ટેક્સના પૈસા બરબાદ કરનારા અધિકારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી, એવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે.
ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની શાળાએ જતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવે છે. શરૂઆતમાં સરકારની આ યોજના સફળ બની હતી પણ ત્યારબાદ અધિકારીઓની લાપરવાહીથી આ યોજના નિષ્ફળ ગઈ છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત પાંચ મહિના પહેલાં અમદાવાદમાં 9032 સાઈકલ લવાઈ હતી. પરંતુ માત્ર 549 એટલે કે, 6 ટકા વિદ્યાર્થિનીને જ સાઈકલ અપાઈ છે. બાકીની સાયકલો લાંભા પાસેના એક સ્કૂલના મેદાનમાં પડી પડી કાટ ખાઈ ગઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ શાળાના મેદાનમાં એ હદે ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે કે, હવે સાઈકલો દેખાતી પણ નથી. મોટાભાગની સાઈકલને કાટ લાગી ગયો હોવા ઉપરાંત ટાયરની રિંગો અને સીટો પણ તૂટી ગયા છે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ વિભાગે આળસ કરી સાઈકલનો ઓર્ડર છેક માર્ચ 2024 એટલે કે એક વર્ષ મોડો આપ્યો હતો. મે સુધી સાઈકલ પૂરી પાડવાની હતી પરંતુ 5 મહિના વિતવા છતાં હજુ સુધી લાભાર્થીઓને સાયકલો અપાઈ નથી. હવે આ સાઈકલો રંગરોગાન કરીને અપાશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ સાયકલો ભંગાર થઈ ગઈ છે. તેની રિંગો અને ટાયરો પણ સડી ગયા છે. સરકારે જવાબદાર અધિકારી સામે પગલાં ભરીને ગાખલો બેસાડવો જોઈએ
ગુજરાતમાં વિદ્યાર્થિનીઓ માટે અંદાજે 1.70 લાખ સાઈકલની માંગ હતી પરંતુ અધિકારીઓની બેદરકારી અને આળસને કારણે ફક્ત 12 હજાર એટલે કે 7 ટકા સાઈકલનું જ લાભાર્થીઓને વિતરણ થઈ શક્યું છે. 15 જિલ્લા એવા છે જ્યાં એકપણ સાઈકલનું વિતરણ થયું નથી. હવે રંગરોગાન કરી વિતરણ કરાશે છબરડો પકડાતાં હવે સાઈકલ પર રંગરોગાન કરી તેમજ કાટ કાઢીને વિદ્યાર્થિનીઓને આપવાની તૈયારી છે.