1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ છે, CM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ છે, CM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ છે, CM

0
Social Share

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાટક સંઘ-અમદાવાદની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે યોજાયેલો ‘કર્ણાટક દર્શન 2022’નો શુભારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આયોજિત કર્ણાટક દર્શન- 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની સાથે જ કર્ણાટક સંઘ-અમદાવાદની પણ 75મી વર્ષગાંઠ છે જે એક સુખદ યોગાનુયોગ છે. આજે આઝાદી પછી આટલા વર્ષે આપણને એવું સબળ નેતૃત્વ મળ્યું છે કે આજે આપણે બધા પોતાનું ગામ, પોતાનું શહેર કે પોતાના રાજ્ય કરતાં પોતાના દેશને વધુ મહત્ત્વ આપીએ છીએ અને ‘એક ભારત , શ્રેષ્ઠ ભારત’ ની સંકલ્પના સાકાર કરી રહ્યા છીએ. કર્ણાટકથી વર્ષો પહેલા આવીને અહી વસેલા લોકો આજે અહીંયા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના અવિરત વિકાસમાં આજે ગુજરાતમાં વસેલા આવા સવાયા ગુજરાતીઓનો પણ ફાળો છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશાં દરેક રાજ્ય એક થઈને દેશની વિકાસયાત્રામાં સહભાગી બને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ રહે છે.

મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે ખૂબ જ ટૂંકા ગાળામાં  ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે. આટલા ટૂંકા સમયગાળામાં પણ રાજ્યએ દેશભરના રમતવીરોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ પૂરી પાડીને નેશનલ ગેમ્સનું સફળ આયોજન કર્યું છે, જે ગુજરાતના ડેવલપમેન્ટ મોડલ અને સર્વક્ષેત્રે સર્વાંગી વિકાસને લીધે શક્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ પછી દુનિયાના ઘણા મોટા દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા, પણ આજે આપણું અર્થતંત્ર નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિશ્વમાં છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયું છે. ગુજરાત અને કર્ણાટકનો પણ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. આવનારા સમયમાં પણ બંને રાજ્યો આ જ રીતે એક થઈને દેશના વિકાસમાં સહભાગી થતા રહેશે.

આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબત તથા ખાણ ખનીજમંત્રી  પ્રહલાદ જોશીએ જણાવ્યું હતુ કે,  કર્ણાટક સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ભૂમિ છે. કર્ણાટકના વિકાસમાં ગુજરાતીઓ પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનના લીધે જ આજે દેશ વૈશ્વિક અર્થતંત્રમાં પાંચમા સ્થાને પહોચ્યું છે, જેમાં ગુજરાત અને કર્ણાટક બંનેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ‘હર ઘર તિરંગા’ પ્રસંગે આપણે આપણી અનેરી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. કોરોના સમયે આપણે આટલા બહોળા પ્રમાણમાં રસીકરણ કરીને આપણા સહિયારા પ્રયાસો થકી સફળતાનો વધુ એક પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે કર્ણાટક સંઘ તેના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ પણ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ભલે આપણે બધા અલગ અલગ રાજ્ય કે શહેરમાં ધંધા રોજગાર માટે વસ્યા હોઈએ, આપણે દરેક રાજ્યોમાં અલગ અલગ જાતિ, જ્ઞાતિ કે સંસ્કૃતિના લોકો વસતા હોઈએ પણ ‘હર ઘર તિરંગા’માં આપણે સૌએ એકસાથે સહભાગી થઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું આગવું દૃશ્ય પ્રસ્તુત કર્યું, જે સમગ્ર વિશ્વએ નિહાળ્યું છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા કર્ણાટક સંઘ,અમદાવાદ-ગુજરાતના અધ્યક્ષ શ્રી હનુમંત બેન્નુરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 લાખથી વધુ કર્ણાટકના લોકો વસી રહ્યા છે. ગુજરાતમાં તેમને હરહંમેશ પોતીકાપણું લાગ્યું છે અને દરેક ક્ષેત્રે તેમને સાથ સહકાર તેમજ અનેરો સ્નેહ સાંપડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code