Site icon Revoi.in

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9થી 12ને સળંગ એકમ ગણી વર્ગદીઠ બે શિક્ષકો રાખવા સંચાલક મંડળની રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં  નવી શિક્ષણ નીતિનો અમલ થાય તે પહેલા જ શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડને કેટલીક ભલામણો કરી છે. જેમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9થી12ને સળંગ એકમ જાહેર કરીને વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત હાલ ધોરણ 10 અને ધોરણ 12 એમ બે વખત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલસી) આપવામાં આવે છે તેના બદલે ફક્ત એકવાર આપવાની જાહેરાત કરવા પણ જણાવાયું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી ભલામણ કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સ્વતંત્ર્ય રાજ્ય બનતાં ભારત સરકાર દ્વારા 10+2ની શિક્ષણ નીતિ અમલમાં આવી હતી. ધોરણ 10ના અંતે તથા ધોરણ 12ના અંતે બે જાહેર પરીક્ષાાઓ શાળાકીય શિક્ષણમાં અમલમાં આવી હતી. આ શિક્ષણનીતિને અન્વયે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 પછી ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા દરવાજા ખુલ્લા મૂકાયા હતા. વર્તમાન પ્રથામાં 2009માં કેંદ્ર સરકારની RTE નીતિ તથા 6થી14 વર્ષના બાળકો માટેની શિક્ષણ નીતિનો ગુજરાત સરકારે 2010માં સ્વીકાર કર્યો હતો. જેથી રાજ્યમાં ધોરણ 1થી5ને નિમ્ન પ્રાથમિક શાળામાં અને ધોરણ 6થી8ને ઉચ્ચ પ્રાથમિક શાળામાં સમાવિષ્ટ કરીને માધ્યમિક વિભાગમાં ચાલતા ધોરણ 8ને નીચે પ્રાથમિક વિભાગમાં લઈ જવાયું હતું. આમ, થવાથી ધોરણ 9,10 માધ્યમિક અને ધોરણ 11-12 ઉચ્ચતર માધ્યમિક વર્ગો તરીકે ઓળખાયા હતા.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ 9થી12ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરાઈ છે. ડૉ. કસ્તૂરીનંદનની સમિતિએ ભાર વિનાના ભણતરને ધ્યાનમાં રાખીને ધોરણ 9થી12માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સૂચન જાહેર કર્યું છે. આમ થવાથી ધોરણ 9થી12ના 4 વર્ષના શિક્ષણ દરમિયાન કુલ 8 પરીક્ષામાં ઉત્તિર્ણ થવાનું રહે છે અને તેની નીચેના વર્ગોને એટીકેટીનો લાભ મળે. તાજેતરમાં સીબીએસઈ બોર્ડ દ્વારા માર્ચ 2021ની પરીક્ષા સંદર્ભે અભ્યાસક્રમ તથા પરીક્ષા પદ્ધતિ જાહેર કરાઈ હતી. જે અન્વયે ધોરણ 10 અને ધોરણ 12માં ચાલુ વર્ષથી જ બોર્ડ દ્વારા બે પરીક્ષાઓ લેવામાં આવનાર છે. ગુજરાત સરકારે શિક્ષણ નીતિના અમલીકરણ માટે પ્રાથમિક શિક્ષણ અર્થાત જૂનિયર કે.જી., સિનિયર કે.જી. અને એડવાન્સ કે.જીના વર્ગો રાજ્ય સરકાર હસ્તકની સાળાઓમાં શરૂ કરવા માટે બજેટની જોગવાઈની જાહેરાત હાલમાં જ થઈ છે. જે અન્વયે નવી શિક્ષણ નીતિની અમલવારી રાજ્યમાં શરૂ થઈ છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે બોર્ડના સચિવને પત્ર લખીને નવી શિક્ષણ નીતિ અંગે કેટલીક રજૂઆતો કરી છે. કે, ધોરણ 9થી12ના વર્ગોની શાળાને માધ્યમિક શાળા જાહેર કરવા ઉપરાંત ધોરણ 9થી12ને સળંગ એકમ ગણીને રાજ્ય સરકાર દ્વારા 2014ના ઠરાવ અન્વયે વર્ગદીઠ બે શિક્ષકની ફાળવણી કરવી જોઈએ. ધોરણ 9થી12ને સળંગ એકમ જાહેર કરવાથી શાળાઓનું જનરલ રજિસ્ટર એક જ રાખવા માટે તથા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વર્તમાન પરીક્ષા પદ્ધતિને લીધે દસમા અને બારમા ધોરણમાં બેવાર આપવાનું થાય છે. જેથી બે વખતના બદલે એક જ વાર આપવાની જાહેરાત પણ થવી જોઈએ તેવી માગ કરાઈ છે. ધોરણ 9થી12ના ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શક્ય ન હોય તો ધોરણ 10 અને 12માં પરીક્ષા પદ્ધતિ અત્યારથી જ જાહેર કરવી જોઈએ.