નવી દિલ્હીઃ “આપણે સ્ટેન્ડ-અપ ઇન્ડિયાની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ ત્યારે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.33 લાખ કરતાં વધારે નવા નોકરી સર્જકો અને ઉદ્યમીઓને આ યોજનાથી સુવિધા આપવામાં આવી છે.” તેમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યમીઓ સમક્ષ આવી રહેલા પડકારોને ઓળખીને, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના 5 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ આર્થિક સશક્તિકરણ અને નોકરીઓના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2019-20માં, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો સંપૂર્ણ સમયગાળો 15મા નાણાં પંચના 2020-25ના સમયગાળાને અનુરૂપ લંબાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “1 લાખ કરતાં વધારે મહિલા પ્રોત્સાહકોને આ યોજના શરૂ થઇ તેના છ મહિનામાં જ લાભ મળ્યો હતો. સરકાર આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે આ ઉભરતા ઉદ્યમીઓમાં રહેલા સામર્થ્યને સમજે છે જેઓ માત્ર સંપત્તિ સર્જક નહીં પરંતુ રોજગાર સર્જક તરીકે તેમની ભૂમિકા નિભાવીને વિકાસના સહભાગી બની શકે તેમ છે.” વંચિત વર્ગના વધુને વધુ ઉદ્યમીઓને કવરેજ માટે લક્ષ્યમાં રાખવામાં આવ્યા હોવાથી, આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ નોંધનીય પ્રગતિ કરીશું.
ભારત ઘણું ઝડપથી વિકાસ કરી રહ્યું હોવાથી, સંભવિત ઉદ્યમીઓ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને અનુસૂચિત જાતિઓ (SC), અનુસૂચિત જનજાતિઓ (ST)ના ઉદ્યમીઓની આશાઓ, મહત્વાકાંક્ષાઓ અને અપેક્ષાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તેઓ પોતાની જાતને ખીલવવા અને વૃદ્ધિ પામવા માટે પોતાનું એક ઉદ્યમ ઉભું કરવા માંગે છે. આવા ઉદ્યમીઓ આખા દેશમાં ફેલાયેલા છે અને તેઓ પોતાના તેમજ તેમના પરિવાર માટે શું કરી શકે તે અંગેના વિચારો સાથે આગળ આવી રહ્યા છે. આ યોજના SC, ST અને મહિલા ઉદ્યમીઓની ઊર્જા અને ઉત્સાહને સમર્થન આપીને તેમજ તેમના માર્ગમાં આવતા કોઇપણ અવરોધોને દૂર કરીને તેમના સપનાંઓ સાકાર કરવાની પરિકલ્પના રાખે છે.