ગાંધીનગરઃ રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા વિચારણા કરવામાં આવશે. હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી યોજનાઓમાં પણ પશુપાલકોના હિતમાં જરૂર જણાય તો બદલાવ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માલધારી સમાજને રાજ્ય સરકારની પશુ કલ્યાણકારી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આપીને પગભર અને શિક્ષિત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ આજે ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર, કચ્છ,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના માલધારી સમાજના ભાઈ-બહેનો સાથે સંવાદ કરતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
ગુજરાતમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યના માલધારી-પશુપાલન સમાજની વિવિધ રજૂઆતો માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલના આધ્યક્ષ સ્થાને સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, જૂનાગઢ, અને આણંદના માલધારી સમાજના પશુપાલક ભાઈ-બહેનો સહભાગી થઈને મંત્રીને વિવિધ રજૂઆતો કરી હતી. પશુપાલન મંત્રી પટેલે આ સંવાદનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, માલધારી સમાજની સૂચનો-રજૂઆતોના હકારાત્મક ઉકેલ માટે સરકાર હંમેશા તત્પર છે. જેના ભાગરૂપે આજે પશુપાલન વિભાગ દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પશુપાલકોને વધુ આત્મનિર્ભર બનાવીને આર્થિક પગભર બનાવાવા પ્રથમવાર પશુ આરોગ્ય મેળાઓનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે જેના પરિણામે આજે ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોની ઈમરજન્સી સારવાર માટે 108 કાર્યરત છે તેમ પશુઓને પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 કાર્યરત છે. રાજ્યમાં કુલ 552 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, 702 સ્થાયી પશુ દવાખાના તેમજ 34 વેટરીનરી પોલીક્લીનીક ખાતે નિઃશુલ્ક પશુ સારવાર પુરી પાડવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં 37 કરૂણા એનિમલ હેલ્પલાઇન 1962 કાર્યરત એકમો દ્વારા અત્યાર સુધીમાં કુલ 5.14 લાખથી વધુ નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવી છે. પશુઓને સમયસર તાત્કાલિક સારવાર મળી તે માટે અંદાજે 170 પશુ ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે સત્વરે પૂર્ણ કરશે.
આ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવ કે.એમ.ભીમજીયાણી, ગુજરાત માલધારી સેલના ડૉ.સંજય દેસાઇ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના માલધારી સમાજના આગેવાનો, ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.