Site icon Revoi.in

ભારતમાં બેરોજગારી દર ઘટ્યો, બેરોજગારી દર 6.57 ટકા પર પહોંચ્યો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે અને અનેક યુવાનોએ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે. જો કે, કોરોનાની અસર ઓછી થતા ફરીથી વેપાર-ધંધો પાટે ચડી રહ્યો છે. તેમજ ફરીથી યુવાનોને રોજગાર મળી રહ્યો છે.  ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર ઘટીને 6.57 ટકા પર આવી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.16 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 5.84 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ આવી ગયો છે. ડિસેમ્બરમાં ભારતમાં બેરોજગારીનો દર 7.91 ટકા હતો. ત્યારે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 9.30 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 7.28 ટકા હતો. તેલંગાણામાં જાન્યુઆરીમાં સૌથી ઓછી બેરોજગારી જોવા મળી હતી, જ્યારે હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી જોવા મળી હતી. તેલંગાણામાં આ આંકડો 0.7 ટકા હતો, ત્યારબાદ ગુજરાત, મેઘાલય અને ઓડિશાનો નંબર આવે છે. હરિયાણા 23.4 ટકાના બેરોજગારી દર સાથે યાદીમાં ટોચ પર છે. તે પછી રાજસ્થાનનો નંબર આવે છે જ્યાં બેરોજગારી 18.9 ટકા હતી. CMIEએ ડિસેમ્બર, 2021માં અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બેરોજગારોની કુલ સંખ્યા લગભગ 53 મિલિયન છે, જેમાં મહિલાઓનો મોટો હિસ્સો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકોને રોજગારી મળી રહે તે માટે સ્ટાર્ટઅપને કેન્દ્ર સરકારે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સ્ટાર્ટઅપના કારણે રોજગારીની અનેક તકો ઉભી થઈ છે.