Site icon Revoi.in

યુનેસ્કોની બેઠકમાં કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાને સૈંદ્ધાંતિક મંજુરી

Social Share

ભૂજઃ ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્ત્વ ખાતાએ શોધેલી હડપ્પન સાઇટને બે દિવસ પહેલાં જ પેરિસ ખાતે `યુનેસ્કો’ની ઉચ્ચસ્તરીય બેઠકમાં `વર્લ્ડ હેરિટેજ’નો દરજ્જો આપવાનો નિર્ણય લઇ લેવાતાં માત્ર ખડીર કે ધોળાવીરા જ નહીં, પરંતુ આખેઆખા પૂર્વિય કચ્છના પ્રવાસનનો સૂર્ય ઝળહળી ઊઠે તેવી સંભાવનાઓ છે. ધોળાવીરા હડપ્પન સાઇટને હજુ સત્તાવાર `વૈશ્વિક વિરાસત’ શ્રેણીમાં સમાવવાની જાહેરાત થઇ નથી, પણ માત્ર એ સૈદ્ધાંતિક જાહેરાત જ બાકી હોવાથી આવનારા દિવસોમાં આ વિસ્તારના વિકાસની નવી ક્ષિતિજો વિકાસ પામશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાંસના પેરિસ ખાતે `યુનેસ્કો’ની `વર્લ્ડ હેરિટેજ’ સંદર્ભે’ મળેલી બેઠકમાં ધરતીના પેટાળમાંથી ધીમે-ધીમે ઉત્ખનન પામીને ઉજાગર થયેલી કચ્છના ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે, માનવીય સભ્યતાના પાયામાં પહોંચવાના એક પાયા સમાન ગણીને તજજ્ઞોએ દુનિયાભરના પુરાતત્ત્વ પ્રેમીઓ, શોખીનો, અભ્યાસુઓને સરળતાથી મળે તેવું `સરનામું’ આપવા સંમતિ દર્શાવી આખેઆખી સાઇટને `વર્લ્ડ હેરિટેજ’ શ્રેણીનો સત્તાવાર દરજ્જો આપવા અનુમતિ આપી છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ડો. આર. એ. બિસ્ટએ પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમય આ સાઇટની શોધમાં આપી દીધો હતો.અને ભારત સરકારે તેમના યોગદાનની કદરરૂપે તેમને `પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા એવા ડો. બિસ્ટનું સપનું આ `વૈશ્વિક વિરાસત’ની જાહેરાત સાથે પૂરું થશે અને દેશ તથા દુનિયાના આર્કિયોલોજીના અનુસ્નાતક કક્ષાના સંશોધક છાત્રોને અભ્યાસની અનેકવિધ કેડીઓ અહીંથી પ્રાપ્ત થશે. ધોળાવીરા હડપ્પન સાઇટને યુનેસ્કોની માન્યતા મળશે એટલે નગરની અટકેલી શોધ પુન: શરૂ થશે અને એ ઉત્ખનન હજારો વર્ષના અતીત પર ધરબાયેલી ધૂળ હટાવશે એટલે અનેકાનેક રહસ્યો પરથી પણ આપોઆપ પડદો હટી જશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વની પાંચ સૌથી મોટી વસાહતોમાં ધોળાવીરાની હડપ્પન યુગની વસાહત સમાવિષ્ટ છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું આ નગર વિશ્વ જુએ એ માટે અંગત રસ લઇને ડો. બિસ્ટે ધોળાવીરા ખાતે જ ઓક્ટો. 2017માં 14 દેશોમાંથી આવેલા પુરાતત્ત્વવિદ્ની ઉપસ્થિતિવાળી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. ધોળાવીરામાં 1990થી હડપ્પન યુગના અવશેષોની સત્તાવાર શોધ ભારતીય પુરાતત્ત્વ વિભાગે શરૂ કરી અને પ્રથમ તબક્કે જ વરસાદી જળસંગ્રહની એક આગવી ઇજનેરી શૈલી ઉજાગર થઇ. સ્વ. જગતપતિ જોશીએ ઠેઠ 1967-68માં કોટડા (ટીંબા)માં નગર ધરબાયેલું હોઇ શકે તેવી ભવિષ્યવાણી કરી હતી અને જાપાને સૌ પ્રથમ રસ લીધો હતો. આ ધોળાવીરા હડપ્પન સાઇટને દુનિયા સમક્ષ લાવવાનું શ્રેય ડો. આર.એસ. બિસ્ટને જાય છે. તેમણે લાગલગાટ 14 વર્ષ સંશોધન-ઉત્ખનન કરીને આ સાઇટ `મોહેંજો દડો’ પછી સૌથી મોટી હડપ્પીય વસાહત હોવાનું સાબિત કર્યું. ધોળાવીરામાંથી પ્રાપ્ત બધા જ અવશેષ હાલ દિલ્હી સ્થિત ભારતીય પુરાતત્ત્વ ખાતાના મુખ્ય સંગ્રહાલયમાં છે. અહીં મહેલ-તળાવ, બજાર, ઇંટના ભઠ્ઠા, રમતના મેદાન, પાણીની નહેર એવું બધું જ મળ્યું છે. નથી મળ્યા કોઇ ધર્મના ચિહ્ન કે કોઇ ધાર્મિક સ્થળના અવશેષ. કચ્છની પાણીની તરસ આજની નથી, પણ હજારો વર્ષની છે એવું આ હડપ્પન નગરના તળાવ પરથી સાબિત થાય છે. 73 મીટર ઊંચા અને 28 મીટર પહોળા તથા 85 મીટર ઊંડા સરોવરની ઉત્તર-પૂર્વીય ખૂણેથી પાકી આવ પણ બંધાયેલી મળી છે. અહીં એક સમયે કલકલ વહેતી મનહર નદીમાંથી નહેરવાટે પાણી ખેંચી લાવવામાં આવ્યું હતું. ધોળાવીરા જ નહીં સમગ્ર કચ્છના પ્રવાસનનો સૂર્ય વર્લ્ડ હેરિટેજનો દરજ્જોઁ જાહેર થતાં જ ખરેખર પૂર્વમાંથી ઊગશે.