Site icon Revoi.in

કેસર કેરીમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન ઘટ્યું, કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડશે

Social Share

 ભાવનગરઃ ગુજરાતમાં તલાલા-ગીર, ઊના, અમરેલીના ધારી, ચલાલા તેમજ ગોહિલવાડમાં તળાજા-મહુવા સહિતના વિસ્તારો, કચ્છ તથા નલસારી અને વાપી-વલસાડ સહિતના વિસ્તારોમાં કેરીના અનેક બગીચાઓ આવેલી છે. આ વખતે પ્રતિકૂળ વાતાવરણને કારણે ધારણા મુજબ કેરીનો પાક થયો નથી. એટલે કેરીનું ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. એટલે કેરીનો સ્વાદ માંઘો પડશે.

ભાવનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો છે, વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 50 થી 60 ટકા ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે. આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મ્હોર ખરી ગયા હતા. તેમજ આંબા પર અચાનક નવી કૂંપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતો પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે. કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘીદાટ મળશે, જેથી સામાન્ય વર્ગ માટે કેરી ખાવી દુષ્કર બની જશે.

ગોહિલવાડમાં તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટાપાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમા આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાં દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ આંબા પર નાની નાની ખાખટી જોવા મળી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું હતું. ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન જિલ્લાના દરિયાઈ પટ્ટીના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં છે. અલંગના સોસિયાની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કેરીની આંબાવાડી ખેડૂતો ઇજારા ઉપર આપે છે અને ખેતમજૂરી કરનાર કે અન્ય ખેડૂતો નક્કી કરેલી કિંમતે ઇજારા ઉપર આંબાવાડી ઇજારા ઉપર લેતા હોય છે. ખેડૂત વર્ગમાંથી જાણવા મળ્યું હતું કે એક આંબા પાછળ ખાતર અને દવાને લઈને 2 થી 2500 જેવો ખર્ચ આવે છે. ત્યારે એક આંબામાંથી કેરીનું ઉત્પાદન તેનાથી વધુ ના થાય તો માથે પડે છે.

ભાવનગર શહેરમાં છૂટક બજારમાં શરૂઆતમાં કેસર કેરીના આગમનને પગલે ભાવ 250 થી 300 રૂપિયા કિલો રહ્યા હતા. પરંતુ કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ગુણવત્તા નહીં હોવાને પગલે ભાવમાં ઘટાડો થયો અને હવે 200 થી 250 વચ્ચે કિલો કેસર કેરી છૂટક વહેંચાઈ રહી છે. તેવામાં પણ આગામી દિવસોમાં માવઠાની આગાહી હોવાને પગલે ઓછી આવક વચ્ચે કેરીના ભાવ ગગડવાની પણ શક્યતાઓ રહેલી છે. પરંતુ જોવાનું એ રહેશે કે આ વર્ષે કેરીના સૌથી ઓછા ઉત્પાદન વચ્ચે તેનો સ્વાદ કેટલા લોકો માણી શકે છે.