Site icon Revoi.in

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

Social Share

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ આબોહવાની મહત્વાકાંક્ષા, ડીકાર્બનાઇઝેશન અને સ્વચ્છ ઉર્જા સંબંધે સહકાર વધારવા અને UNFCCC કોન્ફરન્સ ઓફ પાર્ટીઝના 28મા સત્રના સાકાર અને અર્થપૂર્ણ પરિણામો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં COP28ના યજમાન દેશ તરીકે UAEને પસંદ કરવામાં આવ્યું તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં UAEની COP28ની અધ્યક્ષતાને તેમણે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. બદલામાં, મહામહિમ પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને, G20માં ભારતની અગ્રેસર ભૂમિકા બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા.

બંને નેતાઓએ પેરિસ કરારના લાંબા ગાળાના લક્ષ્યોને જાળવવા માટેના પ્રયાસોને વેગવાન  કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાકીદના ધોરણે રાષ્ટ્રીય સ્તરે તેમના નક્કી કરાયેલા યોગદાનને પૂરું કરવા તેમજ તેના પ્રત્યે એકતા અને સમર્થનના બતાવવા માટે તાકીદે આહ્વાન કર્યું હતું. UNFCCC અને પેરિસ કરારમાં દર્શાવેલ સિદ્ધાંતો અને જોગવાઇઓને દૃઢપણે જાળવી રાખતી વખતે, દરેક રાષ્ટ્રની વિવિધ રાષ્ટ્રીય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને, સમાનતા અને સામાન્ય છતાં પણ અલગ અલગ જવાબદારીઓ તેમજ સંબંધિત ક્ષમતાઓના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

બંને નેતાઓ વૈશ્વિક આબોહવા સંબંધિત પગલાં લેવાના તમામ મહત્વના આધારસ્તંભો; એટલે કે શમન, અનુકૂલન, હાનિ અને નુકસાન તેમજ આબોહવા ફાઇનાન્સ સહિત અમલીકરણના માધ્યમો પર COP28 પર મહત્વાકાંક્ષી, સંતુલિત અને અમલીકરણલક્ષી પરિણામો પ્રાપ્ત કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે. બંને નેતાઓ આ પરિણામોના અનુસંધાનમાં તમામ પક્ષોને રચનાત્મક રીતે જોડાવા અને એકતા દર્શાવવા માટે આહ્વાન કર્યું છે.

આ સંદર્ભમાં, બંને નેતાઓએ ગ્લોબલ સ્ટોકટેક (GST)ના મહત્વ અને COP28માં તેના સફળ નિષ્કર્ષ પર પ્રકાશ પાડ્યો હતો, જે સંમેલનોના ઉદ્દેશ્યો અને પેરિસ કરારના ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે વૈશ્વિક સામૂહિક પગલાંની સ્થિતિ પર ધ્યાન આપવા માટે તૈયાર કરવામાં આવેલી મહત્વાકાંક્ષી કવાયત છે. તેમણે COP28 ખાતે ગ્લોબલ સ્ટોકટેક માટે સંતુલિત અભિગમને અમલમાં મૂકવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને GSTનાં પરિણામોનો ઉપયોગ કરીને વિકાસશીલ દેશોને વધુ નાણાં તેમજ સમર્થન આપવા સહિતની દેશોની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવા માટે તેમને આહ્વાન કર્યું હતું. તેમણે સંમેલન અને પેરિસ કરારની જોગવાઇઓ અનુસાર, આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરો સામે અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે વિકાસશીલ દેશોને સમર્થન આપવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ આબોહવાની અસરોનો સામનો કરવા માટે વિકાસશીલ દેશોની અનુકૂલન ક્ષમતાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ખોરાક વ્યવસ્થામાં પરિવર્તન, જળ વ્યવસ્થાપન, મેન્ગ્રોવ્સ સહિત કુદરતી કાર્બન અવશોષકોની સુરક્ષા, જૈવવિવિધતાના સંરક્ષણ અને ટકાઉક્ષમ ઉપયોગ, તેમજ જાહેર આરોગ્યની સુરક્ષા જેવા નિર્ણાયક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને અનુકૂલન પર વૈશ્વિક લક્ષ્ય (GGA) વિકસાવવા માટે નક્કર પ્રગતિ કરવી અનિવાર્ય છે.

બંને નેતાઓએ પેરિસ કરારની જોગવાઇઓ અનુસાર, આબોહવા પરિવર્તનની સૌથી પ્રતિકૂળ અસરોને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે સંવેદનશીલ સમુદાયોને સમર્થન આપવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત હોવાનું ભારપૂર્વક કહ્યુ હતું. આ સંદર્ભમાં, બંને નેતાઓએ હાનિ અને નુકસાનના મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવા અને પક્ષોને COP28ના હાનિ અને નુકસાન ભંડોળ અને ભંડોળની વ્યવસ્થાને કાર્યાન્વિત કરવા માટેનો અનુરોધ કરીને આબોહવાની પ્રતિકૂળ અસરોનો ઉકેલ લાવવાના પ્રયાસોને વેગ આપવાની જરૂરિયાત હોવાનું વ્યક્ત કર્યું હતું.

બંને નેતાઓએ નોંધ્યું હતું કે, ટકાઉક્ષમ આર્થિક વૃદ્ધિને વેગ આપવાનું અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનું સામર્થ્ય અક્ષય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઉપયોગિતા અને સંગ્રહ ટેક્નોલોજી, ઊર્જા કાર્યદક્ષતા અને અન્ય લો-કાર્બન ઉકેલોમાં કરેલા રોકાણોમાં હશે. બંને નેતાઓ વ્યાપક દીર્ઘકાલિન વિકાસને સક્ષમ બનાવે તેવું ન્યાયપૂર્ણ સંક્રમણ સુનિશ્ચિત કરીને ઉત્સર્જનના મુદ્દાનો અસરકારક રીતે સામનો કરવા અને તેમાં ઘટાડો લાવવા માટે અસરકારક રીતે તમામ ટેકનોલોજીને સમર્થન આપવા અને તેનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ સંદર્ભમાં, વિકાસશીલ દેશો માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીની ઉપલબ્ધતા, સુલભતા અને પરવડતા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો બમણા કરવા માટે બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું છે.

બંને નેતાઓએ આબોહવા પરિવર્તનના માળખામાં ન્યાયપૂર્ણ ઉર્જા સંક્રમણના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે ત્રણ સમાન મહત્વના સ્તંભો: ઉર્જા સુરક્ષા અને સુલભતા, આર્થિક સમૃદ્ધિ પર આધારિત છે, અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાથી આ બધું જ ન્યાયપૂર્ણ અને સહજ રીતે પ્રાપ્ત થાય છે. લાખો લોકો ઊર્જાનો અભાવ ધરાવતા હોવાની વાતને ધ્યાનમાં રાખીને તેમણે એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, UAE અને ભારત સૌના માટે પરવડે તેવી, ભરોસાપાત્ર અને ટકાઉક્ષમ ઊર્જા કે, જે એક વ્યાપક લો-કાર્બન વિકાસ માર્ગના અભિન્ન ઘટક તરીકે છે તેની સાર્વત્રિક સુલભતાને તેઓ સ્પષ્ટપણે સમર્થન આપે છે.

બંને નેતાઓએ વિશ્વાસ કેળવવા અને વિકાસશીલ દેશોને આબોહવાની ચાલુ અસરોના પ્રતિભાવમાં ધીરાણની સુલભતા અને પરવડે તેવી ક્ષમતાને સમર્થન આપવા માટે વિકસિત દેશોની USD100 અબજની ડિલિવરી યોજનાને પરિપૂર્ણ કરવાની તાકીદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી કરીને 2023માં ધ્યેય પૂરો કરી શકાય. વ્યાપક નાણાકીય સંસાધનોની જોગવાઇમાં શમન અને અનુકૂલન વચ્ચે સંતુલન પ્રાપ્ત કરવાના સંદર્ભમાં તેમણે UNFCCC અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓને પણ યાદ કરી હતી અને દેશોને 2025 સુધીમાં વિકાસશીલ દેશો માટે 2019ના સ્તરેથી અનુકૂલન માટે આબોહવા ફાઇનાન્સને બમણું કરવા માટે આહ્વાન કર્યું હતું.

નેતાઓએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ (IFI) અને બહુપક્ષીય વિકાસ બેંકો (MDB)ને આ વર્ષે નાણાકીય વ્યવસ્થાતંત્રમાં સુધારો કરવા, રાહતના નાણાંને છૂટા કરવા, જોખમનું સંચાલન કરવા અને વિકાસશિલ દેશોમાં આબોહવા પરિવર્તન પર ધ્યાન આપવાના હેતુથી રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોજનાઓને સમર્થન આપવા માટે વધારાની ખાનગી મૂડી આકર્ષવા માટે નક્કર પ્રગતિ કરવાનું આહ્વાન કર્યું છે. MDBએ 21મી સદીના સહિયારા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે અને વિકાસ ધીરાણમાં તેમની ભૂમિકા સાથે બાંધછોડ કર્યા વિના વૈશ્વિક જાહેર માલસામાનને ધીરાણ પૂરું પાડવા માટે સક્ષમ હોવું આવશ્યક છે.

બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે, વ્યક્તિઓની દીર્ઘકાલિન અને પર્યાવરણ માટે અનુકૂળ વર્તણૂકોને, જ્યારે સામૂહિક ધોરણે ગણવામાં આવે છે, ત્યારે વૈશ્વિક આબોહવા સંબંધિત પગલામાં તે નોંધપાત્ર યોગદાન આપી શકે છે. તેમણે ટકાઉક્ષમ જીવનશૈલી બાબતે જાગૃતિને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ માટે અનુકૂળ પસંદગીઓ તેમજ વર્તણૂકોને અપનાવવા તરફ લોકોને પ્રોત્સાહન આપવાના મહત્વને ઓળખી કાઢ્યું હતું. આ સંદર્ભે, બંને નેતાઓએ ભારતની મિશન LiFE પહેલની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, COP 28 એજન્ડા પર્યાવરણ માટે યોગ્ય પસંદગી કરવા માટે લોકોમાં આ જાગૃતિ લાવવા બાબતે પણ પ્રોત્સાહન આપશે.

બંને નેતાઓ ભારતની G20ની અધ્યક્ષતાના મહત્વ અને અર્થસૂચિકતાની પુષ્ટિ કરી છે અને નિર્ણાયક સક્ષમકર્તાઓ તરીકે નાણાં અને ટેકનોલોજી પર ભાર મૂકીને, તેમજ ન્યાયપૂર્ણ, સહિયારા અને ટકાઉક્ષમ ઊર્જા સંક્રમણો પર ભાર મૂકીને આબોહવા પરિવર્તન સામે લડવામાં સહકારને પ્રોત્સાહન આપવા તેમજ વેગ આપવા માટે G20ની ભૂમિકા પર ભાર મૂક્યો છે.

બંને નેતાઓએ ઉન્નત આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા, અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા તેમજ આબોહવા પરિવર્તનના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે આવિષ્કારી અને અસરકારક ઉકેલો તૈયાર કરવા માટે UAEમાં આયોજિત COP28ના મુખ્ય મહત્વને માન્યતા આપી છે.

UAE અને ભારત, COP28માં સમાવેશી અને ક્રિયા-લક્ષી પરિષદ તરીકે સફળ પરિણામ સુનિશ્ચિત કરવાના તેમના નિર્ધારમાં એકજૂથ થયા છે, જે UNFCCC અને પેરિસ કરારના લક્ષ્યોને આગળ લઇ જવા માટે અસરકારક આબોહવા સંબંધિત પગલાં અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે નવી ગતિ રચે છે.