Site icon Revoi.in

યુનિસેફનો દાવો, રશિયા-યુક્રેનના વિવાદમાં 15 લાખ બાળકોના જીવ પર જોખમ

Social Share

દિલ્હી: રશિયા યુક્રેન વિવાદ જે ચાલી રહ્યો છે તેની અસર વેપાર ક્ષેત્રમાં તો જોવા મળે જ છે પરંતુ તે વિવાદમાં બાળકોના જીવન પર પણ જોખમ હવે વર્તાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 25મો દિવસ છે. UNICEF દાવો કરે છે કે લગભગ 15 લાખ યુક્રેનિયન બાળકો કે જેઓ અન્ય દેશોમાં શરણાર્થી બની ગયા છે તેમના પર વેચાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં રશિયાની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સીધી વાતચીત કરવા અપીલ કરી છે.

જાણકારી અનુસાર ઝેલેન્સ્કીએ સ્વિટ્ઝર્લેન્ડની સરકારને પણ રશિયન ધનિકોના નાણાં જપ્ત કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, યુરોપિયન શહેરોમાં રહેતા, સ્વિસ બેંકોમાં પૈસા રાખનારા રશિયન ધનિકો ત્યાંની સેનાને યુક્રેનને નષ્ટ કરવા માટે નાણાં આપી રહ્યા છે.

અમેરિકાની મીડિયાના કહેવા પ્રમાણે UNICEFએ કહ્યું છે કે યુક્રેનમાં રશિયાના આક્રમણની શરૂઆતથી જ દેશ છોડી ચૂકેલા યુક્રેનિયન નાગરિકોમાં 15 લાખ બાળકોનો સમાવેશ થાય છે. શરણાર્થી શિબિરોમાં રહેલા આ બાળકો પર માનવ તસ્કરોની નજર છે અને નબળી દેખરેખની સ્થિતિમાં ટૂંક સમયમાં તેમનું ખરીદ-વેચાણ થઈ શકે છે. UNICEFએ એમ પણ કહ્યું છે કે અસંખ્ય બાળકોને તેમના ઘર છોડીને યુક્રેનની અંદર અન્ય વિસ્તારોમાં આશ્રય લેવા મજબુર બન્યા છે.