ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજુ કરાયું
નવી દિલ્હીઃ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ મંગળવારે ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. યુસીસી બિલ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કર્યા બાદ સીએમ ધામીએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું- વિધાનસભામાં ઐતિહાસિક “યુનિફોર્મ સિવિલ કોડ બિલ” રજૂ કર્યું હતું. ઉત્તરાખંડ વિધાનસભામાં ધામી સરકારે યુસીસી બિલ રજુ કર્યો વિપક્ષે વિરોધ કર્યો હતો.
विधानसभा में ऐतिहासिक "समान नागरिक संहिता विधेयक" पेश किया। #UCCInUttarakhand pic.twitter.com/uJS1abmeo7
— Pushkar Singh Dhami (@pushkardhami) February 6, 2024
મુખ્યમંત્રી દ્વારા બિલની રજૂઆત દરમિયાન, શાસક પક્ષના ધારાસભ્યોએ “ભારત માતા કી જય, વંદે માતરમ અને જય શ્રી રામ” ના નારા પણ લગાવ્યા હતા. રાજ્ય કેબિનેટે UCC ડ્રાફ્ટને સ્વીકારી લીધો હતો અને તેને બિલ તરીકે ગૃહમાં રજૂ કરવાની મંજૂરી આપી હતી. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના નેતા યશપાલ આર્યએ કહ્યું કે, સરકારના ઈરાદા પર શંકા છે. બિલની નકલ અડધી અધૂરી મળી આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની પાંચ સભ્યોની સમિતિ દ્વારા શુક્રવારે ચાર ભાગમાં 740 પાનાનો આ ડ્રાફ્ટ મુખ્ય પ્રધાનને સુપરત કરવામાં આવ્યો હતો.
UCC પર એક કાયદો ઘડવો અને તેને રાજ્યમાં અમલમાં મૂકવો એ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જનતાને આપવામાં આવેલા મુખ્ય વચનોમાંનું એક હતું. વર્ષ 2000માં અસ્તિત્વમાં આવેલા ઉત્તરાખંડમાં સતત બીજી વખત જીત મેળવીને ઈતિહાસ રચ્યા બાદ માર્ચ 2022માં સત્તા સંભાળ્યા બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં ભાજપે એક નિષ્ણાત સમિતિની રચનાને મંજૂરી આપી હતી. કાયદાના અમલીકરણ પછી, ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે. UCC ગોવામાં પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે. UCC હેઠળ, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન, મિલકત અને વારસાના સમાન કાયદા રાજ્યના તમામ નાગરિકોને લાગુ પડશે, પછી ભલે તેઓ કોઈપણ ધર્મનું પાલન કરતા હોય.