કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે FSDCની બેઠકમાં અર્થતંત્રની સમીક્ષા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાણામંત્રીએ બેઠકમાં અર્થવ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બેઠકનો ઉદ્દેશ્ય મોટા નાણાકીય જૂથોની કામગીરી પર દેખરેખ સહિત અર્થતંત્રની મેક્રો-પ્રુડેન્શિયલ દેખરેખ સુનિશ્ચિત કરવાનો હતો.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, નાણા મંત્રાલયે ‘X’ પોસ્ટ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. આ બેઠકમાં નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર હતા.
FSDC મીટિંગમાં ભાગ લેનારા અન્ય અગ્રણી લોકોમાં નાણાં સચિવ, ખર્ચ વિભાગના સચિવો, આર્થિક બાબતો અને મહેસૂલ વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવો, દેશના મુખ્ય આર્થિક સલાહકાર અને સેબીના અધ્યક્ષનો સમાવેશ થાય છે. આ સિવાય પીએફઆરડીએ, આઈએફએસસીએ, આઈબીબીઆઈ અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. તે નાણા મંત્રાલય હેઠળની બિન-વૈધાનિક સર્વોચ્ચ કાઉન્સિલ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર રચાયેલી રઘુરામ રાજન સમિતિ (2008) દ્વારા તેની સ્થાપનાનો સૌપ્રથમ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.