અમદાવાદઃ નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહે પરિવાર સાથે ઉજવણી કરી હતી. અને લોકો સાથે નૂતનવર્ષની શુભેચ્છાની આપલે કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સર્કિટ હાઉસ એનેક્સી ખાતે નાગરિકો સાથે નૂતન વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી.
અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે થલતેજ ખાતેના પોતાના નિવાસસ્થાને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી, કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ની સોનલબેન સાથે લોકોને કાજુકતરીની મીઠાઈ આપી મોં મીઠું કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ થલતેજ ખાતે પહોંચ્યા હતા. અમિતભાઈને મળવા માટે બંગલાની બહાર લાંબી લાઇન લાગી હતી. બે કલાક સુધી તમામ નાના બાળકોથી લઇ વડીલ કાર્યકર્તાઓને કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિક્રમ સંવત 2080ના પ્રારંભ દિને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત કરી પ્રત્યેક ગુજરાતી રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
મુખ્યમંત્રીએ નૂતનવર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન-પૂજનથી કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીએ નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા ભદ્રકાળી માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાની સુખાકારી માટે ભદ્રકાળી માતાજીને પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળી નવ-વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. આ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્યો, કાઉન્સિલરો, અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ તેમને આવકારી નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. શહેરના નાગરિકો સાથે પણ મુખ્યમંત્રીએ નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન-પ્રદાન કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી. આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેમજ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.