કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ
- ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો
- કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં
- વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ
પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હેલિકોપ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં અન્ય મોટા નેતાઓને પસાર થવું પડ્યું છે.
ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરની તપાસ બીસીએએસ (નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો) તરફથી નિર્ધારિત એસઓપીનું પાલન કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તપાસ પણ કરવામાં આવ્યાં હતા. એટલે એક પાર્ટીએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે.
મલ્લિકાર્જુન ખડગે શનિવારે બિહારના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે કેટલીક ચૂંટણી સભાઓને ગજવી હતી. ખડગેની પ્રથમ સભા સમસ્તીપુરમાં હતી. અહીં ચૂંટણી પંચના અધિકારીઓ તરફથી તેમના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં વિરોધ વ્યક્ત કરીને ચૂંટણીપંચની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં હતા.
લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. સોમવારે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજી તરફ હજુ ત્રણ તબક્કામાં મતદાન બાકી હોવાથી રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.