દિલ્હીઃ બંગાળના દરિયાકાંઠે સર્જાનારા ‘યાસ’ વાવાઝોડાને કારણે સર્જાનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી તૈયારીઓ તથા લેવાનારા પગલા અંગે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઓડિશા, પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ તથા આંદામાન એન્ડ નિકોબારના લેફ્ટ. ગવર્નર ઉપરાંત કેન્દ્રીય મંત્રાલય અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે એક બેઠક યોજીને સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ સમીક્ષા કરીને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને તમામ કોવિડ-19 હોસ્પિટલ, લેબોરેટરીઓ, વેક્સિન કોલ્ડ ચેઇન્સ તથા અન્ય આરોગ્યના સાધનો હોય ત્યાં વીજ પુરવઠાના પર્યાપ્ત બેક અપની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે વાહનોની અવરજવર ખોરવાઈ શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં જરૂરી એવી તમામ મેડિસીન અને તેના પુરવઠાની ખાતરી કરવાની સલાહ આપી હતી. વાવાઝોડાને કારણે આરોગ્ય સવલતો અને કામચલાઉ હોસ્પિટલને અસર પડી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સલાહ આપી હતી કે જરૂર પડે તો દર્દીઓનું અગાઉથી જ સ્થળાંતર કરીને નાગરિકોના જીવનની સલામતી માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમી દરિયા કાંઠે આ પ્રકારના આગોતરા પગલાં લેવાથી આરોગ્ય સવલતો પર વાવાઝોડાની માઠી અસર પડશે નહીં.
કેન્દ્રના ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં આવેલા ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ પર વાવાઝોડાની અસર અંગે પણ સમીક્ષા કરી હતી. તેમણે બે દિવસ માટે ઓક્સિજનનો પુરવઠો કરી લેવા તથા આ રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરની હેરફેર માટે આગોતરી યોજના ઘડી કાઢવાની પણ સલાહ આપી હતી જેથી પુરવઠો ખોરવાઈ જાય તેવા સંજોગોમાં આ રાજ્યોમાં ઓક્સિજનની અછત પડે નહીં. અમિત શાહે રાજ્ય સરકારોને ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાવર પ્લાન્ટની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે જેથી હોસ્પિટલ તથા વિવિધ આરોગ્ય કેન્દ્રને અવિરતપણે વીજ પુરવઠો મળતો રહે.
તમામ શિપિંગ અને માછીમારીની વેસલ્સની સુરક્ષા તથા તમામ બંદરો અને આ પ્રાંતના ઓઇલ કેન્દ્રોની સુરક્ષા અંગે પણ આ બેઠકમાં મંત્રણા કરવામાં આવી હતી. આ અંગે માછીમારોને દરિયામાંથી પરત લાવવા તથા નીચાણવાળા પ્રદેશો અને જોખમી હોય તેવા પ્રદેશોમાંથી લોકોનું સ્થળાંતર સુનિશ્ચિત કરાવવા માટે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીઓ અંગે પણ અમિત શાહે સમીક્ષા કરી હતી. અમિત શાહે માછીમારો તથા અન્યોમાં જાગૃતિ લાવવા માટે મોબાઇલ ફોન, ટેલિવિઝન, સોશિયલ મીડિયા તથા ગ્રામ પંચાયતો મારફતે સ્થાનિક ભાષામાં સંદેશાનું પ્રસારણ કરવાની પણ તાકીદ કરી હતી. ઓડિશામાં અમલી છે તે રીતે હોમ ગાર્ડ, એનસીસી અને નાગરિક સંરક્ષણના સ્વયંસેવકોને પ્રજાનું સ્થળાંતર કરાવવામાં મદદ માટે એકત્રિત કરવાની અમિત શાહે સલાહ આપી હતી.