કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે GMDC ગ્રાઉન્ડની 900 બેડની કોવિડ હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. જેમાં અમદાવાદ શહેરની હાલત સૌથી વધુ કફોડી છે. દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે શહેરના GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બનાવાઈ છે. જેનું આજે કેન્દ્રિય પ્રધાન અમિત શાહે નિરિક્ષણ કર્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે. 900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટિકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.