અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવશે. તા. 28 અને 29મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમિત શાહ આઈપીએલની ફાઈનલ જોવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 28 અને 29મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ દ્વારકાધીશના દર્શન કરવા જશે. 28મેના રોજ અમિતશાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જામનગરથી હેલિકોપ્ટર દ્વારા તેઓ દ્વારકા પહોંચશે. દ્વારિકાધીશ સમક્ષ શિષ ઝુકાવીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. આ ઉપરાંત 28મેના રોજ નડિયાદ ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદ ખાતે 23454.08 લાખના ખર્ચે બનેલા 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું લોકાપર્ણ કરશે. તેઓ નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસભા સંબોધન કરશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા હેલિપેડની મુલાકાત લઇને તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના ભૂમિપૂજન માટે અમિત શાહ 29મેના રોજ અમદાવાદ આવશે. ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે.