Site icon Revoi.in

યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 140 પોલીસ કર્મચારીઓને પ્રાપ્ત થયો

Social Share

નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે “યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન” (તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીનો ચંદ્રક) 140 પોલીસ કર્મચારીઓને એનાયત થયો છે. આ પુરસ્કારો મેળવનાર કર્મચારીઓમાં 15 કર્મચારીઓ સીબીઆઈનાં, 12 એનઆઇએનાં, 10 કર્મચારીઓ ઉત્તરપ્રદેશનાં, 9-9 કર્મચારીઓ કેરળ અને રાજસ્થાનનાં, 08 કર્મચારીઓ તમિલનાડુનાં, 07 કર્મચારીઓ મધ્યપ્રદેશનાં અને 06 કર્મચારીઓ ગુજરાતનાં છે તેમજ અન્ય કર્મચારીઓ બાકીનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/સંસ્થાઓનાં છે. તેમાં 12 મહિલા પોલીસ અધિકારીઓ સામેલ છે.

ગુજરાતના સુનિલ જોશી(એસપી), સુશિલ રવિન્દ્ર અગ્રવાલ (ડીસીપી, આઇપીએસ), વીરભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ડીવાયએસપી), સરદારસિંહ જીવાભાઈ બારિયા (ઇન્સ્પેક્ટર), નિખિલ રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ (ઇન્સ્પેક્ટર), હરદીપસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઇન્સ્પેક્ટર), આંધ્રપ્રદેશના અશોક કુમાર ગુંટરેડ્ડી (સર્કલ ઇન્સ્પેક્ટર), મનસુરુદ્દીન શાઇક(સર્કલ ઇન્સ્પેક્ટર), ધનુંજયાડુ મેલ્લેલા (ડીવાયએસપી) શ્રીમતી સુપ્રજા કોર્લાકુંટા (અધિક એસપી), રવિ ચંદ્ર ઉપ્પુતુરી (ડીએસપી) સુરજીત સિંહ પાનેસર(ડીસીપી)ને મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દાદર અને નગર હવેલી સિદ્ધાર્થ કિર્તી કુમાર જૈન (એસડીપીઓ) તથા દીવ અને દમણના શ્રીમતી હિરલ પટેલ (સબ-ઇન્સ્પેક્ટર) મેડલ એનાયત કરાયો છે.

આ મેડલ આપવાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી, જેનો આશય અપરાધની તપાસનાં ઉચ્ચ વ્યવસાયિક ધારાધોરણોને પ્રોત્સાહન આપવાનો અને તપાસમાં ઉત્કૃષ્ટતાને બિરદાવવાનો છે. આ મેડલની જાહેરાત દર વર્ષ 12 ઓગસ્ટના રોજ થાય છે. આ વર્ષે 140 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલની જાહેરાત કરવામાં આવી છે.