ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે ગુજરાત આવશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરીવાર પોતાના હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આજે શનિવારે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ પહોંચશે.અને આવતીકાલે એટલે કે રવિવારે ગાંધીઆશ્રમના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આ વખતની મુલાકાત સૂચક એટલા માટે કહી શકાય કેમ કે રવિવારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને સાંજે સાંસદોની બેઠક યોજાવાની છે. આગામી સમયના લોકસભાના સત્ર દરમિયાન ગુજરાતના જે પડતર પ્રશ્નો છે. તે અંગે આ બેઠકમાં ચર્ચા થવાની છે. અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને લોકસભાના સત્ર પહેલા ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત કાલે રવિવારે અમદાવાદમાં ગાંધીઆશ્રમનો એક કાર્યક્રમ યોજાવાનો છે. રિવરફ્રન્ટ ખાતે ગાંધી આશ્રમનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.