Site icon Revoi.in

ગાંધીનગરમાં SAI ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ સાથે બેસી પીએમ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો

Social Share

અમદાવાદ:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સંકુલ ખાતે ગાંધીનગરમાં મંત્રીએ ખેલાડીઓ સાથે બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો.

ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કેટલાક સૂચનો પણ મેળવ્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ઠાકુરે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ રમત-ગમત ક્ષેત્રને જે ઊંચાઈએ લઈ જવા માટે પ્રયત્નો આદરી દીધા હતા તેના પરિણામો આંતરરાષ્ટ્રીય મેડલ ટેલીમાં જોવા મળી રહ્યા છે.

ટોક્યો ઓલમ્પિક્સ, પેરાલિમ્પિક, ડીફલેમ્પિકસ વગેરેમાં મેડલ ટેલી જે રીતે વધી છે તે બતાવે છે કે આગામી દિવસોમાં આપણા ખેલાડીઓ નવી ઊંચાઈઓ સર કરશે.ઠાકુરે કહ્યું કે રમત-ગમત ક્ષેત્રને માળખાગત અદ્યતન સુવિધાઓથી વંચિત નહીં રહેવા દેવાય.

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં ૬૩૨ કરોડના ખર્ચે આકાર લેનાર ઓલિમ્પિક સ્તરના રમત ગમત કોમ્પ્લેક્સનું નિર્માણ થવાનું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે એનો ભૂમિપૂજન વિધિ પણ થવાનો છે એમ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.