નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન અને રાજ્યસભાના 11 અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ આજે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમની ચેમ્બરમાં તેમને શપથ લેવડાવ્યા હતા. સભ્યોમાં બિહારના પ્રોફેસર મનોજ ઝા, ધર્મશિલા ગુપ્તા અને સંજય યાદવ, હિમાચલ પ્રદેશના હર્ષ મહાજન, હરિયાણાના સુભાષ ચંદર, મહારાષ્ટ્રના મેધા કુલકર્ણી અને ચંદ્રકાંત હંડોર, કર્ણાટકના જીસી ચંદ્રશેખર, ગુજરાતના ગોવિંદભાઈ ધોળકિયા, ઉત્તર પ્રદેશના સાધના સિંહ અને મધ્યપ્રદેશના અશોક સિંહનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ સહિત રાજ્યસભાના 56 સભ્યો આ અઠવાડિયે ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થયા છે.
હાલ દેશમાં લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે સમગ્ર દેશમાં રાજ્યસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સહિત લગભગ 56 જેટલા રાજ્યસભાના સભ્યો એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં હતા. જેથી દોઢેક મહિના પહેલા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી સહિતના નેતાઓએ ઝંપલાવ્યું હતું. જો કે, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં 11 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે મોટાભાગના ઉમેદવારો બીનહરિફ ચૂંટાયાં હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થઈ હતી. આ બેઠકો ઉપર ભાજપાના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં હતા. જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સિંઘવીનો પરાજ્ય થયો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ક્રોસ વોટિંગની પણ ઘટના સામે આવી હતી.