- મહિલાઓની સુરક્ષામાં થશે વધારો
- કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હેલ્પલાઈન નંબર શરૂ કર્યો
- પીડિતા મહિલાઓને મળશે હવે ન્યાય
દિલ્લી: સમગ્ર દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષામાં વધુ સુધારો લાવવા અને મહિલાઓના એકંદરે ઉત્કર્ષની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા પ્રયાસોને અનુરૂપ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ રાષ્ટ્રીય મહિલા પંચની 24/7 ધોરણે કાર્યરત હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો છે જેનો નંબર 7827170170 છે. આ સેવા શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ, હોસ્પિટલ, જિલ્લા કાનુની સેવા સત્તામંડળ, મનોચિકિત્સા સેવાઓ વગેરે જેવા યોગ્ય ઓથોરિટી પાસે મોકલીને તેમને 24/7 ધોરણે ઑનલાઇન સહકાર પૂરો પાડવાનો છે.
વર્ચ્યુઅલ માધ્યમથી આ હેલ્પલાઇનનું ઉદ્ઘાટન કરતા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ઇરાનીએ આ પહેલ હાથ ધરવા બદલ રાષ્ટ્રીય મહિલા પંચને અભિનંદન પાઠવ્યા હતા અને નવી હેલ્પલાઇનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ડિજિટલ હેલ્પલાઇન મહિલાઓને એવો સંદેશો આપે છે કે, જ્યારે પણ તેમને જરૂર પડે ત્યારે તેમની સરકાર અને તેમનું પંચ તેમની સાથે જ ઉભું રહેશે. ખાસ કરીને મહામારીના સમયમાં મહિલાઓને મદદ કરવા માટે આવા “આત્મસહજ” પ્રયાસો હાથ ધરવા બદલ તેમણે રાષ્ટ્રીય મહિલા પંચની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુશ્કેલીમાં રહેલી મહિલાઓને મદદરૂપ થવા માટે વિના અવરોધે હસ્તક્ષેપની દિશામાં NCW અને WCDની ભાગીદારી ઘણા લાંબાગાળાના લાભો આપશે.
આ પ્રસંગે વાત કરતા, રાષ્ટ્રીય મહિલા પંચના ચેરપર્સન રેખા શર્માએ જણાવ્યું હતું કે, આ હેલ્પલાઇન પંચના વર્તમાન ફરિયાદના વ્યવસ્થાતંત્રને વધુ મજબૂત બનાવે છે અને આ હેલ્પલાઇન મહિલાઓને જરૂરિયાતના સમયમાં સહકાર મેળવવા માટે તેમજ સમયસર પરામર્શ મેળવવા માટે સમર્થ બનાવશે. તેમણે કહ્યું હતું કે, “અમે હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત રહીએ છીએ. તેઓ મહિલાઓના ઉત્કર્ષ માટે અથાક પ્રયાસો કરી રહ્યાં છે. તેમના સમર્થ નેતૃત્વમાં અમે મહિલા સશક્તિકરણથી લઇને મહિલાઓના નેતૃત્વમાં સશક્તિકરણ સુધીના તમામ પ્રયાસોમાં, સંખ્યાબંધ પરિવર્તનો જોયા છે જે અમને વધુ બહેતર કરવા માટે પ્રેરણા આપે છે.”
આ હેલ્પલાઇનનો મૂળ ઉદ્દેશ હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ, હોસ્પિટલો, જિલ્લા કાનુની સત્તામંડળો, મનોચિકિત્સા સેવાઓ વગેરે યોગ્ય ઓથોરિટી પાસે મોકલીને તેમને 24 કલાકના ધોરણે ફરિયાદ અને સલાહસૂચન સેવાઓ પૂરી પાડવાનો અને એક જ નંબર દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો વિશેની માહિતી તેમને પૂરી પાડવાનો છે. આ હેલ્પલાઇન તાલીમબદ્ધ નિષ્ણાતોની ટીમ સાથે કામ કરશે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઇપણ છોકરી થવા મહિલા આ હેલ્પલાઇન પર કૉલ કરીને મદદ માંગી શકે છે. આ હેલ્પલાઇનનું સંચાલન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય મહિલા પંચના પરિસરમાંથી જ કરવામાં આવશે.
રાષ્ટ્રીય મહિલા પંચ તેમના કાનુની આદેશ અંતર્ગત સમગ્ર દેશમાં મહિલાઓના અધિકારોના ઉલ્લંઘન/વંચિત રાખવાના સંબંધમાં વિવિધ શ્રેણીઓમાં પ્રાપ્ત થતી ફરિયાદોને ધ્યાનમાં લે છે. આ ફરિયાદો લેખિત અથવા તેમની વેબસાઇટ www.ncw.nic.in ના માધ્યમથી ઑનલાઇન લેવામાં આવે છે. પંચ આવી ફરિયાદોની પ્રક્રિયા કરે છે અને મહિલાઓને પૂરતા પ્રમાણમાં અને ઝડપથી રાહત પૂરી પાડવાની વ્યવસ્થા કરે છે જેથી તેમની ફરિયાદનું યથાયોગ્ય નિરાકરણ લાવી શકાય. ફરિયાદના પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવવા અને તેનું વિસ્તરણ કરવા માટે, પંચે આ ડિજિટલ હેલ્પલાઇન શરૂ કરવાની પહેલ હાથ ધરી છે. આ હેલ્પલાઇન સેવા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સાથે સહયોગ દ્વારા વિકસાવવામાં આવી છે.
રાષ્ટ્રીય મહિલા પંચ મહિલાઓની સલામતીને સર્વોપરી પ્રાથમિકતા આપે છે. વ્યથિત મહિલાઓ માટેની પહેલોને અનુરૂપ, પંચે હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર હેઠળ પોલીસ, મનોચિકિત્સક-સામાજિક માર્ગદર્શન જેવી સંખ્યાબંધ સેવાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને મહિલાઓને અન્ય સેવાઓ માટે વન સ્ટોપ કેન્દ્રોનો ઍક્સેસ પૂરો પાડવા માટે આ હેલ્પલાઇનની શરૂઆત કરી છે. આ હેલ્પલાઇન મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા સંબંધિત પ્રશ્નોમાં મદદ પૂરી પાડવા માટે ચોવીસ કલાકના ધોરણે કાર્યરત રહેશે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ વર્ચ્યુઅલ માધ્યમથી 24/7 ધોરણે કાર્યરત આ હેલ્પલાઇનની સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ઇન્દેવર પાંડે અને રાષ્ટ્રીય મહિલા પંચના ચેરપર્સન સુશ્રી રેખા શર્મા તેમજ પંચના સભ્યો અને ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનના વરિષ્ઠ નિદેશક (સંશોધન) શ્રી વિનય ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.