દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને મિઝોરમ માટે પાર્ટીના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. મિઝોરમમાં 40 વિધાનસભા સીટો પર 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. બીજેપીએ એક નિવેદનમાં કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટની અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાન્થુન્ગો પેટન મિઝોરમ ચૂંટણી માટે પાર્ટીના સહ-પ્રભારી તરીકે સેવા આપશે.
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવેલા અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જતિન્દર પાલ મલ્હોત્રાને પાર્ટીના ચંદીગઢ એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.મિઝોરમની તમામ 40 વિધાનસભા સીટો માટે 7મી નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3જી ડિસેમ્બરે થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સોમવારે આની જાહેરાત કરી હતી.મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 13 ઓક્ટોબરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 20 ઓક્ટોબરના રોજ નામાંકન દાખલ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 21 ઓક્ટોબરે થશે અને 23 ઓક્ટોબરે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.
ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા મિઝોરમમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્ર લખીને વિધાનસભા ચૂંટણીની ગણતરીની તારીખમાં ફેરફાર કરવાની માંગ કરી છે.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર અહીં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 7 નવેમ્બર (મંગળવાર)ના રોજ થશે અને મતગણતરી 3 ડિસેમ્બર (રવિવાર)ના રોજ થવાની છે. આ બધાની દલીલ છે કે રવિવાર ખ્રિસ્તીઓ માટે ખાસ દિવસ છે અને તે જ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેથી તે દિવસે મત ગણતરી ન કરવી જોઈએ.