કેન્દ્રીય મંત્રી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરશે,પીએમ મોદી 31 મેના રોજ અજમેરમાં રેલીને સંબોધિત કરશે
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ યાત્રામાં મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવવાની જવાબદારી હવે કેન્દ્રીય મંત્રીઓને આપવામાં આવી છે. સોમવારે એટલે કે આજે કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ દરમિયાન રાજ્યની તમામ રાજધાનીઓમાં મંત્રીઓ હાજર રહેશે.
જ્યાં ભાજપની સરકાર હશે ત્યાં કેન્દ્રીય મંત્રી જે તે રાજ્યના સીએમ સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે અને જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં કેન્દ્ર સરકારના મંત્રી અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ પ્રેસને સંબોધશે. આ દરમિયાન મોદી સરકારની છેલ્લા 9 વર્ષની તમામ ઉપલબ્ધિઓ પર આધારિત પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીઓ મુંબઈમાં નિર્મલા સીતારમણ, અમદાવાદમાં અનુરાગ ઠાકુર, બેંગ્લોરમાં મીનાક્ષી લેખી, લખનૌમાં હરદીપ પુરી, ગુવાહાટીમાં અશ્વની વૈષ્ણવ, ભોપાલમાં ભૂપેન્દ્ર યાદવ, હૈદરાબાદમાં અર્જુન રામ મેઘવાલ, ચેન્નાઈમાં જિતેન્દ્ર સિંહ, પટનામાં ગજેન્દ્ર સિંહ, મનસુખ માંડવિયા કોલકાતામાં, સ્મૃતિ ઈરાની રોહતકમાં અને પીયૂષ ગોયલ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
આ 9 વર્ષની સફરને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક મેગા અભિયાનનું આયોજન કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારની કામગીરી અને 9 વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. તેની શરૂઆત 31મી મેના રોજ રાજસ્થાનના અજમેરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીથી કરવામાં આવશે. આ સાથે ‘સંપર્કથી સમર્થન’ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવશે.
31 મેથી 30 જૂન સુધી ચાલનારા આ વિશેષ અભિયાનમાં પાર્ટીએ દેશના વિવિધ ભાગોમાં લગભગ 51 મોટી જાહેર સભાઓ યોજવાની યોજના તૈયાર કરી છે. જેમાં પીએમ મોદી લગભગ 8 સભાઓને સંબોધિત કરશે. તેમના સિવાય અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હિમંત બિસ્વા સરમા સહિત અન્ય નેતાઓ પણ રેલીઓને સંબોધશે. ભાજપની સોશિયલ મીડિયા ટીમે પણ વ્યાપક અભિયાનનું આયોજન કર્યું છે.