દિલ્હી: દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેને ક્યારેય મંજૂરી નહીં આપે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ ભારતમાં ડ્રાઇવર વિનાની કારની રજૂઆત સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ડ્રાઈવરોની નોકરી ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઝીરો માઈલ ડાયલોગમાં બોલતા ગડકરીએ કહ્યું, ‘મને વારંવાર ડ્રાઈવર વિનાની કાર વિશે પૂછવામાં આવે છે. ત્યારે હું કહું છું કે જ્યાં સુધી હું વાહનવ્યવહાર મંત્રી છું ત્યાં સુધી તમે ભૂલી જાઓ.
ગડકરીએ કહ્યું કે, ‘હું ક્યારેય ડ્રાઈવર વિનાની કારને ભારતમાં આવવા નહીં દઉં કારણ કે ઘણા લોકો તેમની નોકરી ગુમાવશે અને હું એવું થવા દઈશ નહીં.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતમાં ટેસ્લાનું સ્વાગત છે, પરંતુ ચીનમાં ઉત્પાદન ભારતમાં વેચાણ માટે સ્વીકાર્ય નથી.
દુનિયામાં ઘણી જગ્યાએ ડ્રાઈવર વિનાની કારનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ સહિત ઘણી મોટી કંપનીઓ ડ્રાઇવર વિનાની કારને રસ્તા પર કેવી રીતે મુકી શકાય તેના પર કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી અકસ્માતો ઘટાડી શકાય છે.