કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યું મોટું નિવેદન,કુસ્તીબાજોને લઈને કહી આ વાત
દિલ્હી: ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. જાતીય સતામણી અને તમામ પ્રકારના આરોપો બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું કે સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે
અગાઉ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે ગ્વાલિયરમાં કહ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિવૃત્ત પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. ઠાકુરે અહીં લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.
સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના વિરોધ અંગે પૂછવામાં આવતા અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ પહેલાથી જ કહી ચૂક્યા છે કે રમતગમત અને ખેલાડીઓ સરકારની પ્રાથમિકતા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “સરકારે પહેલાથી જ એક સમિતિની રચના કરી છે. પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
આ પહેલા કુસ્તીબાજો અમિત શાહને મળ્યા હતા.અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. અમિત શાહે કહ્યું કે આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવશે. પોલીસ તપાસ કરી રહી છે. તેણે કુસ્તીબાજોને પણ પૂછ્યું કે શું પોલીસને તેમનું કામ કરવા માટે સમય ન આપવો જોઈએ.
જે બાદ કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા હતા.જોકે, સાક્ષી મલિકે કહ્યું હતું કે,ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈ પીછેહઠ કરી નથી અને પીછેહઠ કરશે નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો છે. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. જોકે, રમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજો પરત ફર્યા હતા.