દિલ્હીઃ અપરાજીતા.. જે ક્યારેય હાર ના માને.. આ અનોખી પહેલીની સાથે RSSની સેવા ભારતી દિલ્હીમાં દેહ વેપારના વ્યવસાયને ખતમ કરવા માટે આગળ આવ્યું છે. દિલ્હીનો જીબી રોડ વેશ્યાવૃતિ માટે જાણીતો છે. સરકાર અને સ્થાનિક તંત્રના તમામ પ્રયાસો છતા જીબી રોડ વિસ્તારમાં વેશ્યાવૃતિ અટકતી નથી. એક સર્વે અનુસાર જીવી રોડ પર 1860માં અંગ્રેજોના સમયમાં લગભગ 15 મહિલાઓ સાથે આ ધંધો શરૂ થયો હતો. હાલ લગભગ 2800 જેટલી મહિલાઓ આ વ્યવસાયમાં જોડાયેલી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી છોકરીઓને ફોસલાવી તથા અપહરણ કરીને જીબી રોડ સ્થિત કોઠામાં વેચી મારવામાં આવે છે. સર્વે અનુસાર હવે એક મોટી સંખ્યા એવી પણ થઈ ગઈ છે જે પેઢી દરપેઢી આ વ્યવસાયમાં ધકેલાય છે. અન્ય કોઈ માર્ગ નહીં હોવાથી આ વ્યવાસાય સાથે જોડાયેલી મહિલાઓની દીકરીઓ પણ મજબુરીમાં આ વ્યવસાયમાં ઝંપલાવે છે. જેથી વેશ્યાવૃતિની આ ચેનને અટકાવવા માટે RSSના આનુષંગિક સંગઠન સેવા ભારતીએ ‘અપરાજીતા’ નામથી એક અનોખી પહેલ શરૂ કરી છે.
જીબી રોડ પર આ વ્યવસાયમાં સામેલ મહિલાઓની પાંચથી સાત વર્ષની દીકરીઓને દત્તક લેવામાં આવી છે. દિલ્હીના શાંતિ નિકેતન વિસ્તારમાં આ બાળકીને રહેવાની સાથે હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેવા ભારતીના પ્રદેશ અધ્યક્ષ રમેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર હાલ આ હોસ્ટેલ 9 બાળકીઓ સાથે શરૂ કરવામાં આવી છે. આ તમામ દીકરીઓની માતા જીવી રોડ પર અલગ-અલગ કોઠા ઉપર વેશ્યાવૃતિના વ્યવસાયમાં છે. આ દીકરીઓ એ કિચડમાં ના ફસાય તે માટે અપરાજીતા શરૂ કરવામાં આવ્યું છે. ધીરે ધીરે આવી દીકરીઓની સંખ્યા 100 સુધી કરવાની યોજના સેવા ભારતીની છે. તેમણે વદારેમાં કહ્યું હતું કે, દીકરીઓ એ કોઠાઓમાંથી સમય પહેલા બહાર થઈ જશે તો તે વ્યવસાય ધીરે-ધીરે ખતમ થઈ જશે. બાળકીઓની સુરક્ષા માટે હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ઉપરાંત મહિલા ગાર્ડની પણ નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ દરેક સમયે મહિલા વોર્ડન અને કેયર ટેકર પણ ઉપસ્થિત રહેશે.
‘અપરાજીતા’ની અધ્યક્ષ જોલી સુનિલા સપ્રાના જણાવ્યા અનુસાર આ બાળકીઓને સેવા ભારતીની મદદથી ચાલતી સ્કૂલમાં એડમિશન અપાવવામાં આવશે. આ ઉપરાંત હોસ્ટેલમાં પણ ટીચર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અભ્યાસની સાથે ડ્રોઈંગ, ડાન્સ, ક્રાફ્ટ જેવી એક્ટિવિટી કરાવશે. મોટી થાય ત્યારે આત્મનિર્ભર થાય તે માટે પ્રોફેશનલ કોર્સ પણ કરવામાં આવશે. એટલું જ નહીં તેમના લગ્નમાં સેવા ભારતી ભૂમિકા નિભાવશે.