Site icon Revoi.in

મોંઘવારી સામે કોંગ્રેસનો અનોખો વિરોધ, રાજકોટમાં અડધા ભાવે શાકભાજીનું વેચાણ કર્યું,

Social Share

રાજકોટઃ  મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં મોંઘવારીનો અનોખીરીતે વિરોધ કર્યો હતો. શહેરીજનોએ કોંગ્રેસના વિરોધને આવકાર્યો હતો, કોંગ્રેસ દ્વારા શહેરીજનોને રાહત આપવા અડધા ભાવે શાકભાજીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું સસ્તાભાવે શાકભાજી ખરીદવા માટે લોકોએ લાઈનો લગાવી દીધી હતી.

રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં શહેરની હુડકો ચોકડી પાસે અડધા ભાવે એક કિલો ડુંગળી, બટાટા અને ટામેટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેને પગલે મોટી સંખ્યામાં શહેરીજનો ઊમટી પડ્યા હતા અને શાકભાજી લેવા લોકોની લાઈન લાગી હતી. આ અંગે કોંગ્રેસના શહેરના નેતા ગોપાલ અનડકટે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં દેશભરમાં વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે ગરીબોના ઘરનો ચૂલો સળગે અને બે ટંક ભોજન મળી રહે તેવા ઉમદા હેતુસર સ્વ. ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘાદાટ શાકભાજીનું મૂળ કિંમત કરતા 50% રાહત દરે આજે હુડકો પોલીસ ચોકી સામે સવારે 9 થી 11 દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 1000 કિલો બટાટા 1000 કિલો ટામેટા 1000 કિલો ડુંગળી અને 500 કિલો લીંબુનું  રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવાના ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. સરકારના પાપે ગરીબોને બે ટંક ભોજનના પણ ફાફા પડી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી ગયા છે. ત્યારે પહેલા લીંબુ અને હવે ટામેટાના ભાવ અને બટાટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો ફરી વારો આવ્યો છે. મોંઘવારીનાં માર પર મલમ લગાડવાનું કામ કોંગ્રેસે હાથમાં લીધું છે.