હીલ સ્ટેશન ગણાતા ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો, પ્રવાસીઓનો ઉમટી પડ્યા
નવસારીઃ રાજ્યના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કૂદરતી સૌંદર્યને અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી હોય છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે. જોકે શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીંનો નજારો આહલાદક બન્યો છે.
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. એમાંયે ગિરી મથક સાપુતારામાં ઝાકળભર્યું વાતાવરણ, ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પવનના જોરને કારણે પ્રકૃતિની મહેર એવા ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, પર્વતીય હારમાળા વચ્ચે શાંત સરોવરની આસપાસ પશુ પક્ષીઓ વસંત ઋતુની મજા લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ફૂલ ગુલાબી ઠંડીમાં સાપુતારા ખાતે વહેલી સવારે સુર્યોદય અને સાંજે સૂર્યાસ્ત જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારાના પ્રવાસે લોકો આવતા હોય છે. અહીંના પહાડોનો અદભુત નજારો, અહીં વાંસમાંથી બનાવાતી વસ્તુઓની કળા, સાપુતારાના સરોવરમાં બોટિંગ જેવી વસ્તુઓનો પ્રવાસીઓ ભારે આનંદ ઉઠાવતા હોય છે.
ડાંગ જિલ્લામાં બદલાયેલા વાતાવરણની સાથે ધુમ્મસવાળુ વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. તેની સાથે હવે અહીં પ્રવાસીઓનું આગમન શરુ થઇ ગયુ છે. આવા વાતાવરણને માણવા અહીં દુરદુરથી લોકો આવતા હોય છે. કોરોનામાં લોકડાઉન અને બીજી લહેરમાં અહીંના ટુરીઝમને ઘણી અસર પહોંચી હતી. પ્રવાસીઓનું આગમન થતા અહીંના સ્થાનિક લોકોની રોજગારી ઠપ થઇ ગઇ હતી. જેના કારણે અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી હતી. ત્રીજી લહેરમાં ગુજરાતમાં લોકડાઉન તો લાગ્યુ નથી. જો કે કેટલાક પ્રતિબંધોને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. હવે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે અહીંના કુદરતી સૌંદર્યનો નજારો માણવા ધીરે ધીરે ડાંગમાં પ્રવાસીઓનું આગમન શરુ થઇ ગયુ છે.