Site icon Revoi.in

ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી તા.17મી સપ્ટેમ્બરથી લેવાશે

Social Share

અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ વર્ષની પ્રથમ એકમ કસોટી આગામી તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસ ચાલનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો 15મી તારીખે સ્કૂલોને મોકલવામાં આવશે. ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે બોર્ડની વેબસાઈટ પર પણ પ્રશ્નપત્રો મૂકવામાં આવશે. એકમ કસોટીનો અભ્યાસક્રમ જુલાઈ માસ સુધીનો રાખવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓને વાલીઓએ સ્કૂલ જવાની સંમતિ નથી આપી તેમણે ઘરે બેસીને એકમ કસોટી આપવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે દર મહિનાના અંતે એકમ કસોટીનું આયોજન કરવાની સૂચના અપાઈ છે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત તમામ શાળાઓએ દર માસના અંતે તમામ વિષયોની એકમ કસોટી યોજવાની રહે છે. આ વિષયો પૈકી મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ સિવાયના વિષયોની પરીક્ષા શાળાઓ પોતાની રીતે પ્રશ્નપત્રો કાઢીને લઈ શકે છે. સપ્ટેમ્બરમાં બોર્ડ દ્વારા યોજાનારી ધોરણ 9થી12ની ચાલુ વર્ષની પ્રથમ એકમ કસોટી 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષની પ્રથમ એકમ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે તે ઈચ્છનીય છે, પરંતુ જે વિદ્યાર્થીઓને વાલીએ સ્કૂલે જવાની સંમતિ નથી આપી તેમણે પરીક્ષા ઘરેથી આપવાની રહેશે. પ્રથમ એકમ કસોટીનો અભ્યાસક્રમ જુલાઈ માસ સુધીનો રહેશે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે.

સૂત્રઓએ ઉમેર્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીના ઈ-મેઈલ એડ્રેસ પરથી પ્રશ્નપત્રો 15 સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાના તમામ એસવીએસ કન્વીનરના ઈજમેઈલ એડ્રેસ પર 15 સપ્ટેમ્બરે એકમ કસોટીના પ્રશ્નપત્રો મોકલી આપવાના રહેશે. કન્વીનર દ્વારા 15 સપ્ટેમ્બરે સંકુલની તમામ શાળાઓના આચાર્યોને ઈ-મેઈલ એડ્રેસથી પ્રશ્નપત્રો મોકલવાના રહેશે. બોર્ડની વેબસાઈટ પર પણ 17 સપ્ટેમ્બરે પ્રશ્નપત્ર મૂકવામાં આવશે. ધોરણ 9 માટે ગુજરાતી પ્રથમ ભાષા અને ગણિતની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની એકમ કસોટી લેવાશે. ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા-દ્વિતિય ભાષા), સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નામાના મૂળતત્વો અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી પ્રથમ ભાષા, સમાજ શાસ્ત્ર, મનોવિજ્ઞાન, નામાના મૂળતત્વોની પરીક્ષા લેવાશે.