પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણ ઉપર સંયુક્ત રાષ્ટ્રની સતત નજર
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ગયા છે, પરંતુ પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણની પરિસ્થિતિ ઉભી થઈ છે. પીટીઆઈ સહિત ઘણા પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ છે અને આ અંગે કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે પાકિસ્તાનના સત્તાવાળાઓ અને રાજનેતાઓને હિંસાથી દૂર રહેવા અને તણાવ વધે એવું કંઈ ન કરવાની અપીલ કરી છે.
યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટેફની દુજારિકે જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને સતત પાકિસ્તાનની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. યુએન સેક્રેટરી જનરલે તમામ પક્ષોને કાયદાકીય માળખામાં વિવાદનું સમાધાન કરવા અને માનવ અધિકાર અને કાયદાના શાસનનું પાલન કરવાની અપીલ કરી હતી. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. પરિણામો જાહેર કરવામાં ઘણા દિવસોનો વિલંબ થયો હતો, જેના કારણે ચૂંટણીમાં ધાંધલ ધમાલના આક્ષેપો થયા હતા.
ચૂંટણી પરિણામોમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 101 બેઠકો જીતી હતી. નવાઝ શરીફના નેતૃત્વવાળી પાર્ટીએ 75 બેઠકો અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટીએ 54 બેઠકો જીતી હતી. પીટીઆઈએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે અને દેશભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. કેટલાક નેતાઓએ ચૂંટણી પરિણામોની સમીક્ષાની માગણી કરતી અરજીઓ કોર્ટમાં કરી છે. આ જ કારણ છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ પણ પાકિસ્તાનમાં તણાવનું વાતાવરણ છે.
પાકિસ્તાનમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી વચ્ચે ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે બંને પક્ષોને અઢી વર્ષ માટે વડાપ્રધાન પદ મળી શકે છે.