દિલ્હીઃ ભારતે એશિયા પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ (UNSCAP)ના ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા અંગેના તાજેતરના વૈશ્વિક સર્વેમાં 90.32 ટકા હાંસલ કર્યા છે. 2019ના 78.49 ટકાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે. પારદર્શિતા સૂચકાંક માટે ભારતે 100 ટકા અને વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારીના ભાગમાં 66 ટકા સ્કોર હાંસલ કર્યો છે.
વિશ્વભરની 143 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યા પછી, 2021 સર્વે પાંચ મુખ્ય સૂચકાંકો પર ભારતના સ્કોરમાં નોંધપાત્ર સુધારાને પ્રકાશિત કરવામાં આવ્યા છે, 2021માં પારદર્શિતામાં 100 ટકા, ઔપચારિકતાઓમાં 95.83 ટકા, સંસ્થાકીય ગોઠવણી અને સહયોગમાં 88.89 ટકા, કાગળ રહિત વેપારમાં 96.3 ટકા અને ક્રોસ બોર્ડર કાગળ રહિત વેપારમાં 66.67 ટકા રહ્યો છે. જે વર્ષ 2019ની સરખામણીએ વધારે છે. વર્ષ 2019માં પારદર્શિતામાં 93.33 ટકા, ઔપચારિકતાઓમાં 87.5 ટકા, સંસ્થાકીય ગોઠવણી અને સહયોગમાં 66.67 ટકા, કાગળ રહિત વેપારમાં 81.48 ટકા અને ક્રોસ બોર્ડર કાગળ રહિત વેપારમાં 55.56 ટકા રહ્યો હતો.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ એશિયા ક્ષેત્ર (63.12 ટકા) અને એશિયા પેસિફિક ક્ષેત્ર (65.85 ટકા)ની તુલનામાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશ છે. ભારતનો એકંદર સ્કોર ઘણા ઓઇસીડી દેશો જેવા કે ફ્રાંસ, યુકે, કેનેડા, નોર્વે, ફિનલેન્ડ વગેરે કરતા વધારે હોવાનું જણાય છે અને તેનો એકંદર સ્કોર યુરોપીય સંઘના સરેરાશ સ્કોર કરતા વધારે છે.