Site icon Revoi.in

સુરતમાં પતરાના શેડમાં ચાલતા એકમોને 15 દિવસમાં ફાયર NOC લેવાની શરતે સીલ ખોલાયા

Social Share

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સુરત મ્યુનિ. કોર્પોરેશને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો અને એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી હતી. જેમાં પતરાના શેડમાં ચાલતા એકમોને પણ સીલ મારી દેવાતા વેપારીઓએ મ્યુનિ. કમિશનરને રજુઆત કરીને મુદત આપવાની માગણી કરી હતી. દરમિયાન એસએમસીના અધિકારીઓની બેઠકમાં 15 દિવસમાં ફાયર એનઓસી અને  બે મહિનામાં બીયુ પરમિશન લેવાની શરતે સીલ ખોલી આપવાનો નિર્ણય લેવાયા બાદ સીલ ખોલવાનો પ્રારંભ કરાતા વેપારીઓને રાહત મળી છે.

સુરતમાં પતરાના શેડમાં ચાલતા એકમોને 15 દિવસમાં ફાયર એનઓસી મેળવી સીલ ખોલી આપવાની બાંયધરી અપાયા બાદ સોમવારે ફૂડકોર્ટ સિવાયના પતરાના શેડમાં ચાલતા એકમોને ફાયર એનઓસી ન આપતા વેપારીઓએ મ્યુનિ.કચેરીએ મોરચો લઇને રજુઆત કરી હતી. જેથી અધિકારીઓએ ગઈકાલે બેઠક કરીને એકમોનાં સીલ 15 દિવસમાં ફાયર એનઓસી, 2 મહિનામાં બીયુ પરવાનગી મેળવી લેવાની શરતે ખોલવાનો નિર્ણય લેવાયો હતો.

સુરતમાં ભાડાની જગ્યામાં શેડ બનાવીને ચાલતા રેસ્ટોરાં, ગેરેજ, ફેબ્રિકેશન સહિતનાં વેપારીઓએ એવી રજુઆત કરી હતી કે, મ્યુનિ.દ્વારા છેલ્લા એક મહિનાથી સીલ મરાયા છે. વેપાર-ધંધા ઠપ થયા છે. હાલ સીલ ખોલીને ધંધો શરૂ કરવા મંજૂરી મળે તો વેપારીઓ બાંયધરી આપવા તૈયાર છે, જેથી મ્યુનિ. દ્વારા ફાયર એનઓસી માટે 15 દિવસ અને બીયુ પરવાનગી માટે બે મહિનાની મુદત આપી સીલ ખોલી દેવાના શરૂ કરાયા છે. શહેરમાં 500થી વધુ એકમો આ રીતે પતરાના શેડમાં ચાલી રહ્યા છે જે સીલ કરાયા છે.

સુરત મ્યુનિ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે,  આખરે માનવતાના ધોરણે મ્યુનિ.એ સીલ ખોલી આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ માટે ધંધાદારીઓએ 15 દિવસમાં ફાયર એનઓસી અને 2 મહિનામાં બીયુ પરવાનગી મેળવી લેવાશે એવી એફિડેવિટ મ્યુનિ.માં રજૂ કરવાની રહેશે ત્યારબાદ જ સીલ ખોલાશે. સમયમર્યાદામાં બીયુ ન મેળવી શકતા ભવિષ્યમાં આવા શેડને દૂર કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરાઇ શકે છે.