Site icon Revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 207 ડેમમાં 46.57 ટકા જેટલો પાણીનો જથ્થો

Social Share

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં છ ઈંચથી અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં છ ઈંચ, તલોદમાં સાડા પાંચ ઈંચ, પ્રાંતિજમાં ચાર ઈંચ અને હિંમતનગરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ, મહિસાગરના લુણાવાડા, વીરપુર અને સંતરામપુરમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં પણ સતત મેઘવર્ષા થઈ રહી છે, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાડા ચાર ઈંચ અને જૂનાગઢના વિસાવદરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે વરસાદના આંશિક વિરામ બાદ કાલથી વધુ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

અનરાધાર વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે, કેટલાક જળાશયો પાણીથી છલોછલ ભરાઈ ગયા, તો કેટલાક જળાશયો ભરાવવાના આરે છે.. રાજ્યના 22 જળાશયો સંપૂર્ણ છલકાઇ ગયા છે. 207 ડેમમાં 46.57 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં 1 હજાર 990 ક્યુસેક નવા નીરની આવક થઈ હતી. અમરેલી જિલ્લાનો દાતરવાડી ડેમ-1 અને જૂનાગઢના મેંદરડાનો હિરણ નદી પરનો હિરણ-1 ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજ ડેમ પણ 70 ટકા પાણીથી ભરાઈ ચૂક્યો છે.

ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે જલાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે સોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 35થી 40 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.