ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ ભરૂચમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન 12 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે 9.5 ઈંચ વરસાદ ભરૂચના વાગરામાં ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. 17મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 12 કલાકમાં કચ્છના અંજારમાં 8.5, ભુજમાં 8 ઈંચ, ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડાંગના વઘઈમાં 7 ઈંચ અને આહવામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીના વાંસદામાં 6.5 અને વડોદરાના કરજણમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. એટલું જ નહીં અનેક નદીઓમાં ધોડાપૂર આવ્યાં છે. જેથી નદી કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
24 કલાક દરમિયાન કચ્છમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સરેરાશ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.