- રાજ્યના 32 જિલ્લાના 32 તાલુકામાં મેઘમહેર
- પોરબંદર અને જામનગરમાં 4.5 ઈંચ વરસાદ
- જળાશયોમાં સતત નવા પાણીની આવક
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યના 188 તાલુકામાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ધંધુકામાં સૌથી વધારે પાંચ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાત ઉપર હાલ લગભગ બે જેટલી વરસાદી સિસ્ટિમ સક્રિય બની છે જેને પગલે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 32 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ધંધુકામાં 5 ઈંચ, પોરબંદર શહેરમાં 4.5 ઈંચ, જામનગર શહેરમાં 4.5 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 38.28 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં સીઝનનો સરેરાશ 99.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 55 ટકા, ઉત્તર ગુજરાતમાં 37 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ 37 ટકા, દક્ષિણ ગુજરાતમાં 29 ટકા સીઝનનો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ખેતી લાયક વરસાદને પગલે ખેડુતોમાં ખુશી ફેલાઈ છે. હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.