- રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ વરસ્યો
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો
- ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધારે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પોણા ચાર ઇંચ સુરતના કામરેજમાં, વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઇંચ, આણંદ, નડિયાદ અને સુરતના ઉમરપાડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ થયો હતો. કોડિનાર, વાપી, ઓલપાડ અને વંથલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે કેશોદ માળિયાહાટીના, માણાવદર, સુરત અને જુનાગઢના માંગરોળ અને પારડી, મેંદરડામાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. આ સાથે ગુજરાતમાં 66 તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ થયો હતો. આ સાથે સિઝનનો કુલ 71 ટકા વરસાદ રાજ્યમાં નોંધાઇ ચુક્યો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે સુરત, ભરૂચ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે. કચ્છ બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. મોન્સુન ટ્રફ ડીસા ઉપરથી પસાર થતું હોવાથી વરસાદી માહોલ બન્યો રહેશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપેલ છે. આગામી ત્રણ કલાક દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદારાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં સૌથી વધારે 132 ટકા અને સૌરાષ્ટ્રમાં 105 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ, દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે લીલા દુષ્કાળની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યમાં 44થી વધારે જળાશયો અત્યાર સુધીમાં છલકાયાં છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાતાં 20 જેટલા દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.