ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 25 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આરંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં 221 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેરમાં સૌથી વધારે 10 ઈંજ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. એટલું જ નહીં જળાશયોમાં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમજ અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી છે. દરમિયાન સુરતના મહુવામાં પડ્યો સાડા સાત ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઈંચ, તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચ, સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ, ભેસાણ અને ચોટીલામાં પડ્યો સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના નવ તાલુકામાં 6 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. આવી જ 17 તાલુકામાં પાંચ ઈંચ કરતા વધારે, 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે, 44 તાલુકામાં 3 ઈંચ કરતા વધારે, 82 તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ધોધ જીવંત બન્યા હતા. એટલું જ નહીં ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.