Site icon Revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, દ્વારકામાં 9.1 ઈંચ વરસાદ વરસ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન પોરબંદરમાં 6.4 ઇંચ અને કેશોદમાં 6.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખંભાળીયા, માણાવદરમાં 5 ઇંચ, માંગરોળ, અબડામાં 5 ઇંચ વરસાદ, જામકંડોરણા, ધ્રોલ, જામજોધપુરમાં પોણાં પાંચ ઇંચ, કલ્યાણપુર, મહુવા, ધોલેરા, વંથલીમાં, ઉપલેટામાં 4 ઇંચ, અમરેલી, કોટડા સાંગાણી 3.5 ઇંચ, ભચાઉ, ધોરાજી, ખંભાત, ગોંડલ, માળીયા હાટીના 3 ઇંચ અને મેંદરડા, સિંહોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. દ્વારકામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. દ્વારકાના તમામ માર્ગો પ્રભાવિત થયા હતા અને શહેરના ઇસ્કોન ગેટ, રબારી ગેટ, ઓખા જામનગર રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા. ભારે વરસાદના પગલે યાત્રાળુઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

પોરબંદરના માધવપુર ઘેડમાં છેલ્લા 2 દિવસમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ થતા માધવપુરમાં પૂર જેવી પરિસ્થિત સર્જાઇ છે. ઉપરાંતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે માધવપુરમાં પાણીની છેલ આવતા વરસાદી પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘૂસી ગયા છે. માધવપુરને જોડતા તમામ રસ્તાઓ બંધ થતા માધવપુર વિખુટું પડી ગયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની એક ટીમ બચાવ અને રાહત કામગીરી માટે પહોંચી હતી. બીજી તરફ પોરબંદર જિલ્લામાં સાર્વત્રીક વરસાદને લીધે કુલ 397 લોકોનું સ્થળાંતર કરાયું છે.