અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ
ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.
મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઈએ અદાણી વિદ્યામંદિરની ખાસ મુલાકાત લીધી ત્યારે વિદ્યાર્થીઓનો ઉમંગ અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો. હળવાશ સાથે થયેલી જ્ઞાન ગોષ્ઠીમાં વિદ્યાર્થીઓને આભને આંબતી કારકિર્દી નિર્માણ માટે અમૂલ્ય સૂત્રો પ્રાપ્ત થયા હતા.
દૈનિક જીવનના સામાન્ય ઉદાહરણો ટાંકી તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે કનેક્ટ કરી આધુનિક સમયમાં તેનું વ્યવહારુ મહત્વ સમજાવ્યું હતું. એટલું જ નહીં બાળકોએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ વિશે કરેલા સવાલોના ઉકેલ વિસ્તૃત સમજ સાથે આપ્યા હતા.
વિદ્યાર્થીઓને સંબોધતા નિલેશજીએ જણાવ્યું હતું કે. “વિદ્યાર્થીઓએ હંમેશા પોતાની રુચિના વિષયને વળગી રહેવું જોઈએ”. વિક્રમ સારાભાઈને ક્વોટ કરતા તેમણે ઉમેર્યુ હતું કે, “જો તમે સાંભળશો તો ભૂલી જશો પણ અનુભવ સાથે શીખશો તો હંમેશા યાદ રાખી શકશો. ટેકનોલોજી જાણવાનો અને સમજવાનો વિષય છે એમાં જેટલા ઉંડા ઉતરશો એટલુ નવું જ્ઞાન મળતું જ રહેશે”. સાથોસાથ માતૃભાષા સહિત અન્ય ભાષાઓનું મહત્વને પણ ઉજાગર કર્યુ હતું.
જ્ઞાન હોય કે વિજ્ઞાન અદાણી વિદ્યામંદિર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. 14 જુલાઇ 2023ના રોજ AVMAના બાળકોને ચંદ્રયાન 3 ના લોન્ચીંગની ઐતિહાસીક ક્ષણોને નિહાળવાની તક મળી હતી. સાયન્સ સીટી ખાતે તેમણે ઈસરો સંચાલિત મિશન મુનની વિશેષતાઓ જાણી હતી.