હૈદરાબાદના આ પાર્કમાં લગ્ન કર્યા વગરના કપલના પ્રવેશ ઉપર ફરમાયો પ્રતિબંધ !
મુંબઈઃ હૈદરાબાદમાં ઈન્દિરા પાર્કમાં આવલા કપલ શરમજનક હરકતો કરતા હોવાની ફરિયાદો ઉઠતા નગરનિગમ દ્વારા લગ્ન કર્યા ન હોય તેવા કપલને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ તેના બેનરોમાં પણ લગાવવામાં આવ્યાં હતા. જો કે, આ અંગે વિવાદ ઉભો થતા અંતે બેનરો હટાવી લેવામાં આવ્યાં હતા. તેમજ તંત્ર દ્વારા પોતાના નિર્ણયને લઈને બચાવ કરતા કહ્યું હતું કે, પાર્કમાં કેટલાક કપલ શરમજનક પ્રવૃતિઓ કરે છે જેથી અહીં આવતા બાળકો અને વૃદ્ધોને શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હૈદરાબાદના ઈંદિરા પાર્કના ગેટ ઉપર નગરનિગમ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યુ હતું કે, લગ્ન કર્યા વગરના કપલ્સને પાર્કમાં આવવાની મનાઈ છે.
આ બેનરની તસ્વીરો સો. મીડિયા પર વાયરલ થઈ હતી. જેને લઈને નગર નિગમની ચારેબાજૂ ફજેતી થઈ. લોકોનું કહેવુ છે કે, આ મોરલ પુલિલિંગની એક નવી મિસાલ છે. જો કે, બાદમાં બેનર ટકાવી દેવામાં આવ્યાં હતા.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બેનર લગાવવાનો નિર્ણય નાગરિકોને પૂછ્યા બાદ લેવામાં આવ્યો હતો. લોકો દ્વારા યુગલો વિશે ફરિયાદ કરવામાં આવી હતી. લોકોએ જાણ કરી હતી કે યુગલો પાર્કમાં શરમજનક પ્રવૃત્તિ કરે છે. આ હેતુ મેસેજ આપવાનો હતો કે જાહેર ઉદ્યાનોમાં પ્રજાએ ‘યોગ્ય વર્તન’ કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું, ‘બાળકો, વરિષ્ઠ નાગરિકો અને પરિવારો પાર્કમાં આવે છે, અમને આ બાબતે ફરિયાદો મળી છે. જ્યારે અમે એક બેનર લગાવ્યું ત્યારે અમને નાગરિકો તરફથી ઘણા કોલ મળ્યા હતા તેમજ તેમણે અમારો આભાર પણ માન્યો હતો. શહેરના મધ્યમાં સ્થિત ઇન્દિરા પાર્ક, હૈદરાબાદના સૌથી પ્રાચીન ઉદ્યાનોમાંનું એક છે, અને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. પાર્કની પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી આપણી છે. જો આપણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીએ તો – પાર્ક આવી વસ્તુઓ માટે કુખ્યાત બનશે.