અમદાવાદઃ આણંદના અશાંત મનાતા ખંભાતમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામજીની નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અટકચાળો કર્યો હતો. જેથી બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. તોફાની ટાળાએ કેટલાક વાહનોને પણ આગચાંપી હતી. પોલીસે હાલ સમગ્ર ખંભાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ એસઆરપીની કંપનીઓ પણ ઉતારી દેવામાં આવી છે. પોલીસે 9 તોફાનીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આસપાસના શહેરોમાંથી પણ પોલીસ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત એસઆરપીની ત્રણ કંપનીઓ પણ ખંભાતમાં તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ હિંમતનગરમાં પણ હાલ શાંતિનો માહોલ છે. સમગ્ર હિંમતનગર વિસ્તારમાં પણ પોલીસ ખડકી દેવામાં આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ખંભાતમાં શાંતિ છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે. આ ઉપરાંત એસઆરપીની ચાર કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક મેસેજ ફરતા ના થાય તે માટે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. 9 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે પણ તપાસ કરી રહી છે.