અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર-પૂર્વિય ટાઢાબોળ પવનો ફૂંકાતા લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ ભરશિયાળે સ્વેટર સાથે રેઈનકોટ પણ સાથે રાખવો પડે એવી સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં, કારણ કે રાજ્યમાં ઠંડી વધવાની સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે.
રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાના કહેવા મુજબ હાલમાં ગુજરાતમાં આવતા ઉપરી સ્તરના પવનો અરબી સમુદ્રમાં થઈને પસાર થાય છે. એને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા પવનો ભેજયુક્ત હોય, જેને કારણે તાપમાન ઘટી શકે છે. તેથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. સુરતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસી શકે છે. જો કે, અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠુ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી. શુક્રવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે તથા ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી 3-4 દિવસ અમદાવાદનું તાપમાન 15થી 17 ડિગ્રી રહેશે. ગાંધીનગરનું તાપમાન 13થી 16 ડિગ્રી સેલ્સિયસ રહે એવી સંભાવના છે. રાજ્યના સૌથી ઠંડા રહેતા નલિયા શહેરમાં આગામી 3-4 દિવસ દરમિયાન 11થી 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે. કહી શકાય કે આગામી ત્રણ દિવસમાં નલિયાનું તાપમાન 14 ડિગ્રીથી વધે એવી સંભાવના નહીંવત છે. નલિયાનું તાપમાન 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. (File photo)