મધ્ય ગુજરાતમાં અનરાધાર વર્ષા, બોડેલીમાં 17 ઈંચ, જેતપુર અને ક્વાંટમાં 11 ઈંચ, 400 લોકોને કરાયાં રેસ્ક્યુ
અમદાવાદઃ રાજ્યના મધ્ય ગુજરાતના બોડેલી જેતપુર અને ક્વાંટ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા છોડાઉદેપુર સહિત જિલ્લાની તમામ નદીઓ ગાંડીતૂર બની છે. અનેક વિસ્તારો જળબંબોળ બની ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 17 ઈંચ, પાવી જેતપુર અને કવાંટમાં 11-11 ઈંચ, છોટાઉદેપુરમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે.નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. ભારે વરસાદને લીધે સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી પોતાનો પ્રવાસ પુર્ણ કરીને સીધા ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ગયા હતા.અને ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટરના કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ સમયે હાજર રહ્યા હતા
મધ્ય ગુજરાતમાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ અવિરત પણે પડ્યો હતો, રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડતા બન્ને જિલ્લા જળબંબોળ બની ગયા હતા.. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પડ્યો છે. બોડેલીમાં 17 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે અને છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દરમિયાન વડોદરાથી એસડીઆરએફની 1 પ્લાટુન મદદ માટે બોડેલી રવાના કરવામાં આવી છે.
પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. બોડેલીમા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. રવિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોડેલીના રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મેઘરાજાએ મન મૂકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે. બોડેલીના રાજનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને પગલે પલાસની કાળીડોળી પુલનો એપ્રોચ ધોવાઈ ગયો છે. ભારે વરસાદમાં પુલનો એપ્રોચ તૂટતાં રસ્તો બંધ થઈ ગયો છે. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો છે. બોડેલી-વડોદરા હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. બોડેલી પાસે કડીલા ખાતે કોતરમાં ધસમસતા પાણી રોડ ઉપર ફરી વળતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી,
સૂત્રોના જણાવ્યા મુજબ પાવી જેતપુરમાં ઝાબ ગામનું કોતર છલકાયું છે. જેને પગલે ઝાબ ગામ બે ભાગમાં વહેચાઈ ગયું છે. ઝાબ ગામમાં કોતરમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારે વરસાદને પગલે રાજવાસના ડેમ ઓવર ફલો થઈ ગયો છે.