Site icon Revoi.in

માવઠાને લીધે ઈસબગુલના પાકને નુકશાન થતાં ભાવમાં ઉછાળો, હારિજ યાર્ડમાં 3800નો ભાવ

Social Share

પાટણઃ ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. તેના લીધે કૃષિપાકને નુકશાની થઈ છે. જેમાં ઈસબગુલના પાકને સારીએવી નુકશાની થઈ છે, સુરેન્દ્રનગર સહિત ઘણાબધા જિલ્લાઓમાં ઈસબગુલના પાક માવઠાંને કારણે નાશ પામ્યો હોવાના વાવડ મળતા વેપારીઓમાં ઈસબગુલનો પાક ખરીદવાની ડિમાન્ડ વધી ગઈ છે. તેના લીધે ઈસબગુલના ભાવમાં વધારો થયો છે. હારિજ માર્કેટ યાર્ડમાં 20 કિલો ઈસબગુલના ભાવ 3800 રૂપિયા બોલાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા અને કમોસમી વરસાદના કારણે રવિપાકને ભારે નુકશાન થયું છે.  જેમાં સમી શંખેશ્વર પંથકમાં 2100 હેકટર ઉપરાંત ઇસબગુલનું વાવેતર થયું હતું. પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન થયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા સહિત ઘણાબધા વિસ્તારોમાં માવઠાંને કારણે ઈસબગુલના પાકને સારૂએવું નુકશાન થયું હોવાથી જેના કારણે ઇસબગુલના ભાવોમાં ઉછાળો આવ્યો છે. સમગ્ર વઢિયાર પંથકમાં કમોસમી વરસાદે રવીપાકના ઉત્પાદનમાં ભારે નુકસાન થયું છે. જીરું અને ઇસબગુલ બંને પાકમાં વધુ નુકસાન થયું છે સમગ્ર પંથકમાં 2100 હેકટર ઉપરાંત ઇસબગુલના વાવેતર થયા હતા.જે કમોસમી વરસાદના કારણે નુકસાન થતાં યાર્ડમાં ભાવો વધ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હારિજ યાર્ડમાં 1200 બોરી ઉપરાંત ઇસબગુલની આવકો રહી હતી જેમાં 20 કિલો દીઠ રૂ. 3820 ઉપરાંતના ભાવોની બોલી બોલાઈ હતી. જે યાર્ડમાં ઇસબગુલના રેકર્ડ ભાવ પડ્યા હતા અને ઇસબગુલ ઔષધીઓમાં વપરાતું હોવાથી એના ભાવમાં વધારો થયો છે. વેપારીઓમાં પણ ઈસબગુલની માગ વધી રહી છે. એટલે હજુ પણ ભાવ વધે એવી શક્યતા ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.