અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે 229 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સાડા ચાર ઈંચ, સુરત શહેરમાં 4 ઈંચ, તેમજ જિલ્લાના ઉમરપાડા, તથા ખેડાના નડિયાદમાં સાડા ત્રણ ઈંચ, અને તાપી, અમરેલી, બનાસકાંઠા, પાટણ, ભરૂચ, રાજકોટ નર્મદા, ભાવનગર, ગાંધીનગર, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. વરસાદ સાથે જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાથી 14નાં મોત નિપજ્યા છે. રાજ્યમાં ત્રણ દિવસ માવઠાંની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરાયું છે. કમોસમી વરસાદને કૃષિ પાકને નુકશાન થયું છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાં સાથે વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓ મોતને ભેટ્યા હતા. વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી હતી. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ અને સુરેન્દ્રનગરમાં તેમજ સાબરકાંઠાના ઈડર, તાપી, અને વિરમગામમાં પણ વીજળી પડવાથી 14 લોકોના મોત થયા હતા.. કડી પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. તાલુકાના શિયાપુરા ગામે વીજળી પડતા એક યુવકનું કરુણ મોત થયું હતું. શિયાપુરા ગામે રહેતા ઠાકોર સંજય વિષ્ણુજી પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી તેમના ઉપર પડી હતી. આ ઉપરાંત વિજાપુર તાલુકાના દેવડા ગામે રહેતા 29 વર્ષીય જીતેન્દ્ર રાજેશ પરમાર પોતાની રિક્ષા લઈ કુકરવાડાથી ત્રણ મુસાફરોને બેસાડી પોતાના ગામ જઈ રહ્યા હતા, એ દરમિયાન સોખડા ગામે પહોંચતા ભારે પવન અને વરસાદને કારણે રોડ પર પસાર થઈ રહેલી રિક્ષા પર એકાએક વૃક્ષ પડ્યું હતું. જેથી વૃક્ષની નીચે દબાઈ જતાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અમરેલીના જાફરાબાદના રોહિસા ગામમાં 16 વર્ષીય કિશોર પર વીજળી પડી હતી. સુરેન્દ્રનગરના ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું હતું. કુલદીપ ભાંભળા નામના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ પડ્યો હતો. સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ સોમનાથના મેળામાં ભારે પવનથી તારાજી સર્જાય છે. અનેક સ્ટોલ જમીનદોસ્ત થયા છે. જેથી મેળાને એક દિવસ પહેલા જ પૂર્ણ કરાયો છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો. તાલુકાના કેટલાક ગામોમાં ઓછો તો કેટલાક ગામોમાં વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે ગઢડા તાલુકાના ભીમડાદ ગામે ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી ગામની શેરીઓમાં જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગામના રામજી મંદિર વિસ્તારમાં ઘસમસતા પાણીના પ્રવાહમાં એક ઓટો રિક્ષા તણાઈ હતી. રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ કરા પડવાની સાથે મનાલી જેવાં દૃશ્યો સામે આવ્યાં છે. કુવાડવા રોડના માલિયાસણ નજીક રસ્તા ઉપર બરફ પથરાયો. બરફથી રસ્તો ઢંકાઇ જતા લોકો રસ્તા પર ઊતરી મનાલી જેવો માહોલ સર્જાયો હતો.