Site icon Revoi.in

ગુજરાતમાં ભર ઉનાળે 41 તાલુકામાં કમોસમી વરસાદ, બેનાં મોત, CMએ કરી સ્થિતિની સમીક્ષા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળો વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં 41 તાલુકામાં ક્યાંક કરા સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મેઘધનુષનો પણ નજારો જોવા મળ્યો હતો. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં અરવલ્લીના માલપુરમાં બાઈક પર વીજળી પડતા બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજથી રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરીને કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. મુખ્યમંત્રીના દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી.

રાજ્યના કાર્યકારી મુખ્ય સચિવ તોમરે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું. દરમિયાન રાહત કમિશનર  આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગત આપતા કહ્યું હતું કે,  રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે મિલિમીટરથી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. ભારે પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.