ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયાં
અમદાવાદઃ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોમીસ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવનને કારણે વરસાદ વરસ્યો હતો. દરમિયાન વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ બની છે.
આ ઉપરાંત રાજકોટ, જામનનગર, પોરબંદર, દ્વારકા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન દ્વારકામાં ગણતરીના કલાકોમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામખંભાળિયામાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી કચ્છના અંજાર, ગાંધીધામ અને મુન્દ્રામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકાના ખંભાળીયાના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે થયેલા ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે બજારો મોડા ખુલ્યા હતા. જામનગરમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જામનગરના ધ્રોલ તાલુકા અને શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
અંબાજીમાં પણ વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. એકા એક વરસાદ શરૂઆત થતા અંબાજી મંદિરનું ચાચર ચોક ભીંજાયું હતુ. ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા રવિપાકને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી. ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે બનાસકાંઠાના થરાદ, સુઈગામ અને ભાભર વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે પાટણના સમી, હારીજ, રાધનપુર, સાંતલપુરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સરહદી વિસ્તારમાં જીરુંનું મોટાપાયે વાવેતર થયું છે ત્યારે કમોસમી વરસાદથી જીરું તેમજ દિવેલામાં નુકશાન થવાની ભીતિ છે.