અનસંગ ફ્લેગ માર્ટર્સ : ત્રિરંગાની શાન માટે ગુજરાતના સપુતોએ બલિદાન આપ્યું હતું
અમદાવાદઃ ગુજરાત સહિત ભારતભરમાં આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવના ભાગરૂપે આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર ત્રિરંગા ” અભિયાન યોજાશે. અંગ્રેજો સામે શરૂ થયેલી ભારતની આઝાદીની ચળવળ વખતે વર્ષ 1930થી વર્ષ 1946 સુધી પ્રારંભિક તબક્કે વિવિધ સ્વરૂપે પ્રદર્શિત થયેલા રાષ્ટ્રધ્વજની આન-બાન- શાન માટે ગુજરાત સહિત દેશના જાણ્યા-અજાણ્યા વીર શહીદોએ કોઈને કોઈ પ્રકારે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેને આપણે “અનસંગ ફ્લેગ માર્ટર્સ” તરીકે બિરદાવીએ છીએ.
આઝાદીની ચળવળમાં ભારતભરમાં સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ઝીલીને રાષ્ટ્રધ્વજની શાન માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અનસંગ ફ્લેગ માર્ટર્સ-હીરો તરીકે મહારાષ્ટ્રના 6, આંધ્ર પ્રદેશના 3, તામિલનાડુના 1, કર્ણાટકના 1, હિમાચલ પ્રદેશના 2, આસામના 17, ગુજરાતના 2, બિહારના 19, ઉત્તરપ્રદેશના 2, પશ્ચિમ બંગાળના 18, ઓડિશાના 1 અને તેલંગાના 3 એમ કુલ 12 રાજ્યોના 75 સ્વાતંત્રય સેનાનીઓનો સમાવેશ થાય છે. “અનસંગ ફ્લેગ માર્ટર્સ” એટલે કે ‘‘ત્રિરંગા’’ માટે બલિદાન આપનાર દેશના વીર શહીદોમાં સુરતના શ્રીશ કુમારનો સમાવેશ થાય છે.
- શ્રીશ કુમાર: સુરત, ગુજરાત : શહીદી તા. 10 ઓગસ્ટ, 1942
શ્રીશ કુમારનો જન્મ 28 ડિસેમ્બર 1926ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. એક વિદ્યાર્થી તરીકે તેમણે 8 ઓગસ્ટ 1942ના રોજ જ્યારે ભારત છોડો આંદોલન ફાટી નીકળ્યું ત્યારે તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો. તેમણે અંગ્રેજ સરકાર વિરોધી પત્રિકાઓ તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું અને બ્રિટિશ પોલીસના દમનકારી કૃત્યો સામે પ્રતિકાર પણ સંગઠિત કર્યો હતો. 10 ઓગસ્ટ 1942ના રોજ તેઓ નંદુરબાર શહેરમાંથી જે વિદ્યાર્થીઓના સરઘસનું નેતૃત્વ કરી રહ્યા હતાં તેના પર પોલીસે મંગળ બજારમાં લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ લાઠીના મારને અવગણીને સરઘસને આગળ ન વધારવાનો આદેશ આપવા છતાં, વિદ્યાર્થીઓએ આગળ વધવાનું ચાલુ રાખ્યું. પોલીસે માણેક ચોક ખાતે સરઘસકારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં બંદૂકધારી પોલીસો દ્વારા ગોળીઓ ચલાવવામાં આવતા શ્રીશ કુમારને ગોળી વાગતા તેઓ હાથમાં ધ્વજ સાથે શહીદ થયા હતાં.
- મનુભાઈ પટેલ: ચકલાસી, ખેડા, ગુજરાત : શહીદી- ઓગસ્ટ 1942
તા.29 જુલાઈ 1930ના રોજ મનુભાઈ પટેલનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના ચકલાશીમાં થયો હતો. બીજા ધોરણ સુધી ભણેલા મનુભાઈ પટેલ, તા. 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ થયેલી ભારત છોડો ચળવળમાં જોડાયા હતા. હાથમાં ધ્વજ પકડીને તેમના વતન ગામમાં ‘અંગ્રેજો ભારત છોડો’ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે વખતે પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલા ગોળીબાર કરતા મનુભાઇ શહીદ થયા હતા.
- સીતારામ ચંભર: શહીદી તા.5 સપ્ટેમ્બર, 1930
સીતારામ ચંભર, જે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મંગરૂળ ગામના રેહવાસી હતા. બિલાશી ગામના લોકોએ અંગ્રેજ સરકારના જંગલ કાયદાની અવગણનામાં એક સાગનું ઝાડ ઉખેડી નાખ્યું હતું, તેને 18 જુલાઈ 1930ના રોજ સવિનય કાનૂન ભંગ દરમિયાન ગામના મંદિર પાસે મૂક્યું હતું અને તેના પર ધ્વજ પણ ફરકાવ્યો હતો. તા. 5,સપ્ટેમ્બર 1930ના રોજ, 300 સશસ્ત્ર પોલીસકર્મીઓનું એક જૂથ રાષ્ટ્રધ્વજ લેવા સ્થળ પર પહોંચ્યું. પોલીસના આ કૃત્યનો સ્થાનિક લોકો એકઠા થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે અંધાધૂંધ પોલીસ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં સીતારામ ચંભરને ગોળી વાગતા ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.
- કાલીશંકર બાજપાઈ: શહીદી તા.19 ડિસેમ્બર, 1930
કાલીશંકર બાજપાઈ,વર્લી, બોમ્બે, મહારાષ્ટ્રના રેહવાસી હતા. તે વારલી યુથ લીગના પ્રમુખ અને સ્થાનિક મજૂર નેતા પણ હતા અને તેમણે બોમ્બેમાં સવિનય અસહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓ 13 ડિસેમ્બર 1930ના રોજ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને બાબુ ગેનુ જેઓ તા.12 ડિસેમ્બર 1930ના રોજ વિદેશી કપડાથી ભરેલી મોટર લારી દ્વારા કચડાયેલા કોંગ્રેસના સ્વયંસેવકની અંતિમયાત્રામાં જોડાયા હતા. જ્યારે પોલીસે સરઘસ પર લાઠીચાર્જ કર્યો ત્યારે તે ખરાબ રીતે ઘાયલ થયા હતા ; તેમને બેયોનેટના ઘા સહિત 18 મુક્કાઓ માર્યા. એમ્બ્યુલન્સમાં સ્વયંસેવકો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા. બાદમાં રાત્રે તેમને બરોળના ઓપરેશન માટે જે.જે. હોસ્પિટલમાં ખસેડાયા. જોકે ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ કાલીશંકર બાજપાઈ બચી શક્યા ન હતા અને 19 ડિસેમ્બર 1930ના રોજ શહીદ થયા હતા.
- બંડારુ નારાયણસ્વામી, તાતપતિ વેંકટરાજુ વેંકટપતિરાજુ અને વડાપલ્લી ગંગાચલમ શહીદી : 20 માર્ચ, 1931
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના નિવાસીઓએ સવિનય કાનૂન ભંગ ચળવળમાં ભાગ લીધો હતો. 30 માર્ચ 1931ના રોજ, વડાપલ્લીમાં વેંકટેશ્વરસ્વામી રથ/કાર ઉત્સવના પ્રસંગે, ત્રિરંગા ધ્વજ અને મહાત્મા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓના ફોટાથી ગાડીને શણગારી હતી. જેનો સરકારી અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને જ્યારે સરઘસ શરૂ થવાનું હતું ત્યારે રઝોલુના સબ-ઇન્સ્પેક્ટરે રાષ્ટ્રીય નેતાઓની તસવીરો હટાવી દીધી હતી. ચળવળકારોએ આ ઘટના સામે નારાજગી દર્શાવી અને તસ્વીરો વગર ગાડી દોરવાનો ઇનકાર કરતા ચિન્નાવડાપલ્લીમાં હંગામો થયો હતો. પોલીસે કેટલાક ચળવળકારીઓની ધરપકડ કરી હતી અને અન્ય પર લાઠીચાર્જ કરતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો-માટી ફેંકીને જવાબ આપ્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરતા ટોળા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના વડાપલ્લી ગામના બંડારુ નારાયણસ્વામી અને રાજાકા સમુદાયના વડાપલ્લી ગંગાચલમ તેમજ આલમુર ગામના ક્ષત્રિય સમાજના તાતપતિ વેંકટરાજુને ગોળી વાગતા શહીદ થયાં હતા.