અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશમાં પ્રચાર અર્થે જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ હાઈકમાન્ડે પાંચ રાજ્યોના ચૂંટણી પ્રભારી, સહપ્રભારી નિમ્યા હતા. જેમાં સુરતના સાંસદ અને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને ગોવા, કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પંજાબના ચૂંટણી સહપ્રભારીની જવાબદારી સોંપાઈ છે. ઉત્તરપ્રદેશમાં વર્ષ 2014થી કાર્યરત ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાને કાશીના સહપ્રભારી બનાવાયા છે.
2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, શંકર ચૌધરી સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ હતી. આ વખતે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી બાદ ભાજપના 18થી વધુ નેતાઓ ઉત્તરપ્રદેશમાં ઉતરશે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પ્રભારી તરીકે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાને જવાબદારી સોંપી છે. મુખ્યમંત્રીએ હવે દરેક મંત્રીને વોર્ડમાં પ્રચાર માટે રાઉન્ડ લેવા સુચના આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં ભાજપ હાલ શાસનમાં છે. ભાજપ સત્તા સાચવી રાખવાની સાથે બેઠકોની જીત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી સહિતના નેતાઓએ પણ ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી છે.